REUTERS/Amit Dave

ભારતમાં કોરોનાવાઇરસના કેસોના વિસ્ફોટ અને નવા ડબલ મ્યુટન્ટ વેરિયન્ટને પગલે બ્રિટને શુક્રવાર તા. 23ના રોજ સવારના 4 વાગ્યાથી ભારત પર ટ્રાવેલના સૌથી આકરા નિયંત્રણો મૂકવાની જાહેરાત કરી છે. આનો અર્થ એવો થાય છે કે યુકે કે આઇરિશ નાગરિક ન હોય અથવા તો યુકેની રેસીડેન્સી ધરાવતા ન હોય તેવા કોઇપણ વ્યક્તિએ જો મુસાફરી અગાઉના 10 દિવસ ભારતમાં રોકાણ કર્યું હશે તો તેઓ યુકેમાં પ્રવેશ કરી શકશે નહીં. આમ ટુરીસ્ટ, ફેમિલી કે બિઝનેસ વિઝા પર આવતા ભારતીય નાગરીકો યુકે આવી શકશે નહિ. જ્યારે યુકે કે આઇરીશ નાગરીકોને યુકે રેસીડેન્સી પરમીટ ધરાવતા લોકોએ આગમનના સમયથી 10 દિવસ માટે સરકાર માન્ય હોટેલમાં ક્વોરેન્ટાઇન થવું પડશે.

સોમવારે હાઉસ ઑફ કૉમન્સને આપેલા નિવેદનમાં હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે જણાવ્યું હતું કે ‘’નવા કોવિડ વેરિયન્ટના ડરથી ભારતને રેડ લીસ્ટમાં મૂકવામાં આવ્યું છે. ભારતીય વેરિયન્ટના 103 કેસ યુકેમાં નોંધાયા છે. આ નવા વેરિએન્ટના મોટા ભાગના કેસો – જેને સત્તાવાર રીતે B.1.617 તરીકે ઓળખવામાં આવે છે તે તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસ સાથે જોડાયેલા છે. સારવાર અને રસી પ્રત્યે વધુ ટ્રાન્સમિસિબિલિટી અથવા પ્રતિકાર કરવાની કોઈ પણ “સંબંધિત લાક્ષણિકતાઓ” કે શક્તિ આ નવા વેરિયન્ટમાં છે કે કેમ તેની તપાસ માટે ટેસ્ટના સેમ્પલનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ડેટાનો અભ્યાસ કર્યા પછી અને સાવચેતીના આધારે, અમે ભારતને રેડ લીસ્ટમાં ઉમેરવાનો મુશ્કેલ પરંતુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.”

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે ટ્વીટ કર્યું હતું કે ‘’યુકે રસીના રોલઆઉટ દ્વારા સખત રીતે જીતવામાં આવેલી પ્રગતિ” ન ગુમાવે તેની ખાતરી કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું છે કે ‘’રેડ લીસ્ટ હેઠળ હાલમાં આશરે 40 દેશોને આવરી લેવાયા  છે, તેની સતત સમીક્ષા કરવામાં આવે છે.’

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ એક બ્રીફિંગ દસ્તાવેજ મુજબ 25 માર્ચથી 7 એપ્રિલની વચ્ચે, ભારત તરફથી 3,345 લોકો યુકે બોર્ડર ટ્રાવેલ ડેટામાં નોંધાયા હતા. તે પૈકી 161 – અથવા 4.8% લોકો પીસીઆર ટેસ્ટમાં કોવિડ-19 માટે પોઝીટીવ જણાયા હતા. નવો મુસાફરીનો નિયમ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડને લાગુ પડે છે. વેલ્સ અથવા નોર્ધર્ન આયર્લેન્ડમાં હાલમાં કોઈ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ નથી.

હેન્કોકે જણાવ્યું હતું કે ‘’યુકેમાં ડિસેમ્બરથી સાઉથ આફ્રિકન વેરિયન્ટના 557 કેસ પણ મળી આવ્યા છે, જેમાં સાઉથ લંડનના “ક્લસ્ટર કેસીસ” અને છેલ્લા અઠવાડિયામાં બાર્નેટ, બર્મિંગહામ અને સેન્ડવેલમાં અલગ કેસ નોંધાયા છે. જ્યારે લગભગ 66 ટકા આંતરરાષ્ટ્રીય મુસાફરીને લગતા હતા, ત્યાં સામુદાયીક સંક્રમણની માત્રા થોડી રહી હતી. સરકાર રસીકરણ દ્વારા “વાયરસથી આગળ” રહેવાય તે સુનિશ્ચિત કરવા માટે બૂસ્ટર શોટ માટેની યોજનાઓ વધારી રહી છે.’’

શેડો હેલ્થ સેક્રેટરી જોનાથન એશ્વર્થના પ્રશ્નનો જવાબ આપતા હેન્કોકે કહ્યું હતું કે, ‘’ભારતીય વેરિયન્ટના કેસો જ્યાં ઓળખવામાં આવ્યા છે ત્યાં કોવિડ ટેસ્ટીંગનો વ્યાપ વધારવામાં આવશે.

હોમ અફેર્સ કમિટીના અધ્યક્ષ લેબરના ઇવેટ કૂપરે સવાલ કર્યો હતો કે ‘’ભારતને કેમ વહેલી તકે રેડ લિસ્ટમાં મૂકવામાં આવતું નથી? હોંગકોંગે આ અઠવાડિયે દિલ્હીની માત્ર એક જ ફ્લાઇટમાંથી 47 કોવિડ કેસોની ઓળખ કરી છે. આપણે ત્યાં હજી 16 સીધી ફ્લાઇટ્સ આવવાની બાકી છે જ્યારે ભારતથી અહીં ઘણી વધુ નોન-ડાયરેક્ટ ફ્લાઇટ્સ શુક્રવાર પહેલા આવનાર છે.’’

લગભગ ત્રણ અઠવાડિયાથી યુકેના અધિકારીઓ દ્વારા ભારતીય વેરિયન્ટની તપાસ ચાલી રહી હોવા છતાં, તાત્કાલિક ભારતથી વતા લોકોના આગમન પર પ્રતિબંધ ન લગાવવા બદલ લેબરે સરકારની ટીકા કરી હતી. હેનકોકે પ્રતિક્રિયા આપી હતી કે દરેક દેશના નિર્ણયો “સતત સમીક્ષા હેઠળ રાખવામાં આવ્યા હતા”.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાર મહિના પહેલા યુકેના વેરિયન્ટનો ફેલાવો અટકાવવા ભારતે યુકેથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે બતાવે છે કે દેશો વચ્ચે ડાયનેમિક્સ કેટલી ઝડપથી બદલાઈ શકે છે. સરકારે છેલ્લે એપ્રિલની શરૂઆતમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન સહિતના દેશોને રેડ લીસ્ટમાં ઉમેર્યા હતા. ભારત સરકારે જાન્યુઆરીમાં લીધેલા નિર્ણય મુજબ ભારત જવાની સીધી ફ્લાઇટ્સ પહેલેથી જ મર્યાદિત છે અને અઠવાડિયામાં 30 ફ્લાઇટ જ ઉડે છે.

માનવામાં આવે છે કે આ વેરિયન્ટનું નામ B.1.617 છે – તે ચોક્કસપણે ભારતમાં કોરોનાવાયરસ રોગચાળાના બીજા તરંગ અને ચેપના દરોમાં એક મોટો વધારો દર્શાવે છે. તેનાથી એકેડેમિક્સ અને યુકે મીડિયાના વિભાગોમાં ચિંતાઓ ફેલાઇ છે, જેમણે ભારતને “રેડ લીસ્ટ”માં મૂકવા હાકલ કરી છે. જે અંતર્ગત રેડ લીસ્ટના દેશોમાંથી યુકે પરત ફરતા કોઈપણ વ્યક્તિએ 10 દિવસ હોટેલ ક્વોરેન્ટાઇન થવું પડે છે અને મુસાફરી પર કડક પ્રતિબંધો શામેલ છે.

બીજી તરફ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી હજી પણ એવી આશા રાખે છે કે ઇંગ્લેન્ડથી આંતરરાષ્ટ્રીય મુસાફરી 17 મેથી ફરી શરૂ થશે. પરંતુ પ્રતિબંધિત યાદી પરના દેશોનું લીસ્ટ ટૂંકુ થવાને બદલે લાંબુ થઈ રહ્યું છે. તા. 15 એપ્રિલથી ભારતમાં દરરોજ 200,000થી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે. રાજધાની દિલ્હીએ એક અઠવાડિયા લાંબી લોકડાઉનની ઘોષણા કરી છે. યુકેમાં 2,963 નવા ચેપ: 10 મિલીયનથી વધુને રસીનો બીજો અને 33 મિલિયનને પ્રથમ ડોઝ અપાયો

યુકેમાં પોઝીટીવ કોરોનાવાયરસ ટેસ્ટીંગના 28 દિવસની અંદર મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ચાર થઇ છે. તા. 7 સપ્ટેમ્બર પછીનો તે સૌથી નીચો દૈનિક આંકડો છે. જ્યારે 2,963 નવા ચેપ નોંધાયા હતા. યુકેમાં 10 મિલીયનથી વધુ લોકોને કોવિડ-19 રસીનો બીજો ડોઝ અને લગભગ 33 મિલિયન લોકો તેમની રસીનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે.

ઓએનએસએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડમાં અંદાજે 112,600 લોકોને વાયરસનો ચેપ લાગ્યો હતો. જે અઠવાડિયા પહેલા 161,900ની નીચે હતો. જે સપ્ટેમ્બર 19, 2020ના અઠવાડિયા પછીનો સૌથી નીચો આંકડો છે.