ભારતીયોના ઇ-મેઇલનો ક્યારેય જવાબ આપતી નથી તેવા ન્યુઝીલેન્ડના ઇમિગ્રેશન પ્રધાન એરિકા સ્ટેનફોર્ડની ટીપ્પણીથી વિવાદ ઊભો થયો હતો. એરિકાના આ નિવેદનથી ભારતીય સમુદાય અને વિપક્ષ સાંસદો નારાજ થયા હતાં.
6 મેના રોજ સંસદના સત્ર દરમિયાન, સત્તાવાર પત્રવ્યવહાર માટે વ્યક્તિગત Gmail એકાઉન્ટના ઉપયોગનો બચાવ કરતા સ્ટેનફોર્ડે કહ્યું હતું કે “મને ઘણા બધા અવાંછિત ઇમેઇલ મળે છે, ઉદાહરણ તરીકે, ભારતીય લોકો તરફથી ઇમિગ્રેશન સલાહ માંગતા ઇ-મેઇલ આવશે, જેનો હું ક્યારેય જવાબ આપતી નથી. હું તેને લગભગ સ્પામ સમાન માનું છું.
ભારતીય મૂળના લેબર સાંસદ પ્રિયંકા રાધાકૃષ્ણને આ ટિપ્પણીને અસંવેદનશીલ અને ભેદભાવપૂર્ણ ગણાવી કરીને સ્ટેનફોર્ડની આકરી ટીકા કરી હતી. ધ ઇન્ડિયન વીકેન્ડર સાથે વાત કરતા રાધાકૃષ્ણને કહ્યું હતું “આવી ટિપ્પણીઓ સમગ્ર સમુદાય વિશે નકારાત્મક લાગણીને મજબૂત બનાવે છે અને પ્રધાન દ્વારા ચોક્કસ વંશીય જૂથને અલગ પાડવાનું અસ્વીકાર્ય છે. સ્ટેનફોર્ડે આવી ટીપ્પણી કરીને ભારતીય સમુદાયોની લાગણી દુભાવી હતી.
વિવાદ વધતાં સ્ટેનફોર્ડે સ્પષ્ટતા કરી હતી કે મારા શબ્દોને ખોટી રીતે સમજવામાં આવ્યા છે. મેં એવુ નથી કહ્યું કે તે ઓટોમેટિકલી સ્પેમ છે. હું તેને સ્પેમ માનું છું. મારા પર્સનલ ઈ-મેઈલ પર અનેક ઈ-મેઈલ આવે છે. માત્ર ભારતીયોના જ નહીં. આ ફક્ત એક ઉદાહરણ હતું. એરિકા સ્ટેનફોર્ડ 27 નવેમ્બર, 2023થી ન્યૂઝીલેન્ડના ઈમિગ્રેશન પ્રધાન તરીકે સેવા આપે છે. ન્યૂઝીલેન્ડમાં 15000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
