(Photo by Richard Heathcote/Getty Images)

NHSના અગ્રણીઓએ આજે ​​મુસ્લિમ સ્ટાફ અને કી હેલ્થ વર્કરનો રમઝાન મહિના દરમિયાન ઉપવાસ કરીને મહત્વપૂર્ણ કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરી તેમની પ્રશંસા કરી હતી. કોવિડ-19 કટોકટી માટે એનએચએસના તમામ સ્ટાફના બલિદાનની આવશ્યકતા હતી. પરંતુ મુસ્લિમો અને અન્ય ધર્મના લોકોએ કામના કલાકો દરમિયાન ભોજન કર્યા વગર વધારાના પડકારોનો સામનો કર્યો હતો.

આ સપ્તાહના અંતે રમઝાન માસ અને ઉપવાસનો અંત આખા વિશ્વમાં ઇદના સ્વરૂપે ઉજવવામાં આવશે. પરંતુ આ વર્ષે, મસ્જિદો હજી પણ બંધ છે અને અન્ય પ્રતિબંધો હજુ ચાલુ છે ત્યારે NHSએ આ સપ્તાહના અંતમાં ઇદના તહેવારની ઉજવણી વખતે સામાજિક અંતર જાળવવા વિનંતી કરી હતી. જે રીતે અન્ય સમુદાયોએ ઇસ્ટર, પાસઓવર અને વૈશાખી સહિતના ધાર્મિક તહેવારો દરમિયાન તેનુ પાલન કર્યુ હતુ.

કોવિડ-19ની અપ્રમાણસર અસર શ્યામ અને લઘુમતી વંશીય સમુદાયો પર પડી છે, જેમાં ઘણા મુસ્લિમોએ કુટુંબના સભ્યો અને મિત્રોને ગુમાવ્યા છે, જેમાં હેલ્થ કેર પ્રોફેશનલ્સ, ડોકટરો, નર્સો અને મિડવાઇવ્સનો સમાવેશ થાય છે.

વર્કફોર્સ રેસ ઇક્વાલિટી સ્ટાન્ડર્ડના ડેપ્યુટી ડિરેક્ટર, હબીબ નકવીએ કહ્યું હતું કે “હું તમામ એનએચએસ સ્ટાફને ઈદની હાર્દિક શુભેચ્છાઓ આપવા માંગુ છું. યુકેના અન્ય લોકોની સાથે મુસ્લિમ NHS વર્કર્સે પણ સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને અને સરકારની સલાહને સ્વીકારીને કોરોનાવાયરસના ફેલાવાને અટકાવવા ઉત્સાહપૂર્ણ પ્રયાસો કરી બલિદાન આપ્યું હતું. આ વાયરસે અમારા કેટલાક બીએમઇ સમુદાયોને વધુ સંવેદનશીલ બનાવ્યા છે.

એપ્રિલમાં NHS મુસ્લિમ નેટવર્ક અને બ્રિટીશ ઇસ્લામિક મેડિકલ એસોસિએશનની ભાગીદારીમાં NHSએ રમઝાન વિષે નવું માર્ગદર્શન જાહેર કર્યું હતું, જેમાં કોરોનાવાયરસ દરમિયાન હોસ્પિટલો અને હેલ્થકેર સેટિંગ્સમાં કાર્યરત એનએચએસ સ્ટાફ અને મેનેજરોને કી સલાહની રૂપરેખા આપવામાં આવી.

NHSના ચીફ પીપલ ઓફિસર પ્રેરણા ઇસ્સારે જણાવ્યું હતું કે, “અમારા મુસ્લિમ સાથીઓ NHS માટે અવિરત મહેનત કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો રમઝાનના ઉપવાસના વધારાના પડકારનો સામનો કરે છે. હું અમારા તમામ મુસ્લિમ સમુદાયોને ઈદ મુબારકની શુભેચ્છા આપવા માંગુ છું. NHSના અંદાજે 1.4 મિલિયન કામદારોમાંથી 3.3% મુસ્લિમ પૃષ્ઠભૂમિના છે.