આપણે સૌ જેની ચાતક નજરે રાહ જોઇ રહ્યા છીએ તેવા દિવસો નજીક આવતાં જણાઇ રહ્યા છે. જી હા, મંગળવાર તા. 1 જૂનનો દ્વસ આજીબોગરીબ રહ્યો હતો અને એક પણ પુખ્ત વ્યક્તિનું કોવિડ  રોગચાળાના કારણે મરણ થયું ન હતું. તેની પાછળ  લૉકડાઉન, રસીકરણ, કોરોનાવાયરસની સુધરેલી સમજ અને વધુ સારી સારવાર છે.

ભારતમાં પહેલી વાર ઓળખવામાં આવેલા અને હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જેને ડેલ્ટા વેરિયન્ટ નામ અપાયું છે તેના વધતા જતા કેસોથી યુકેમાં ભય ફેલાયો છે ત્યારે આ સમાચાર ખૂબ જ રાહત આપી રહ્યા છે.

આંકડાશાસ્ત્રીઓ રજા પર હોય તેવા સંજોગોમાં દૈનિક મૃત્યુની સંખ્યા વિકેન્ડમાં અને અઠવાડિયાના પ્રારંભે ઓછી હોય છે અને આ વખતે તેમાં સોમવારે બેંક હોલીડેની રજા ઉમેરાતા આંકડો ઓછો જણાયો હતો. જો કે તેનો અર્થ એ નથી કે ખરેખર કોઈનું મૃત્યુ થયું નથી.

છેલ્લા ત્રણ મહિનામાં મૃત્યુ, હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા અને વાઇરસનો ચેપ મળવનારા લોકોની સંખ્યા સતત નીચે આવી રહી છે.

જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કોરોનાવાઇરસ પોઝીટીવ લોકોની સરેરાશ સંખ્યા લગભગ 59,660 હતી જે મેની શરૂઆતમાં 2,270 હતી. જાન્યુઆરીના મધ્યમાં 38,411 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા જે મે માસની મધ્યમાં 1,200ની આસપાસ હતો. સપ્ટેમ્બર પછી પ્રથમ વખત, તે સંખ્યા એક હજારથી નીચે આવી ગઈ છે. જાન્યુઆરીના મધ્યમાં વાઇરસનો પોઝીટીવ ટેસ્ટ ધરાવતા લોકોમાં રોજના 1,248 લોકો મોતને ભેટતા હતા. મેની શરૂઆતમાં દૈનિક સરેરાશ ફક્ત 12ની હતી. પરંતુ, સૌએ હજી પણ સાવધાની રાખવાની છે, હજી પણ હોસ્પિટલોમાં ઘણા બધા લોકો વેન્ટિલેટર પર છે. દુર્ભાગ્યે, દરેક જણ બચી શકશે નહીં. યુકેના કેટલાક ભાગમાં ભારતનો “ડેલ્ટા” વેરિયન્ટ હોસ્પિટલમાં એડમિશન વધારી રહ્યો છે.