(ANI Photo)
ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓમાં અનેક રાજકીય પાર્ટીઓ અભિનેતાઓ અને અભિનેત્રીઓને ચૂંટણી પ્રચારમાં બોલાવવાની સાથે તેમને તેમાં ઉમેદવારી કરવા માટે ટિકિટની ઓફર પણ આપે છે.
પરંતુ તાજેતરમાં એક અભિનેતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે તેમને અનેક રાજકીય પાર્ટીની ઓફર્સ મળી રહી છે, પણ તેઓ દરેક ઓફરને ફગાવે છે. શેખર સુમને ચૂંટણી બાબતે પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા અને શું તેઓ રાજકારણમાં ફરી પ્રવેશ કરશે એ બાબતે પણ તેમણે વાત કરી હતી. શેખર સુમને કહ્યું હતું કે તેને અનેક રાજકીય પાર્ટી તરફથી ઓફર મળી છે, પણ મારી પાસે જ્યારે પણ આવી ઓફર આવે છે ત્યારે હું બહેરો અને અંધ બની જાઉં છું.
હું પોતાને રાજકારણથી દૂર રાખવા ઇચ્છુ છું, કારણ કે આપણે આપણાં જ જીવનમાં અનેક રાજકારણનો સામનો કરવો પડે છે એટલે પ્રથમ તો તેનો સામનો કરવો જોઈએ. હું ડીફોલ્ટ રીતે રાજકારણ સાથે જોડાયેલો છું પણ એવું કોઈ ઇચ્છતું નથી, પરંતુ ક્યારેક તમને ઈમોશનલી બ્લેકમેલ કરવામાં આવે છે. હું રાજકારણમાં જોડાયો હતો, કારણ કે મને મારા શહેર, મારા સમાજ અને મારા રાજ્ય માટે કંઈક અલગ કરવું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2009માં શેખર સુમને કોંગ્રેસની ટિકિટ પર બિહારના પટનાસાહિબ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી, જોકે ભાજપના ઉમેદવાર અને પીઢ અભિનેતા શત્રુઘ્ન સિંહા સામે તેમની હાર થઇ અને તે પછી શેખર સુમને પોતાને રાજકારણથી દૂર કરી દીધા હતા.
શેખર સુમનનું રાજકારણ પર આધારિત એક નાટક રિલીઝ થયું હતું. ‘એક હાં’ નામના આ નાટક બાબતે શેખરે કહ્યું હતું કે આ નાટક ખૂબ મહત્ત્વનું છે. આ નાટકના માધ્યમથી અનેક રાજકીય નિવેદનો લોકો સુધી પહોંચે છે.

LEAVE A REPLY

18 − 3 =