સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન પલ્ટા સાથે ભરશિયાળે માવઠા થયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આવતા દિવસોમાં ઉતર ભારતના ભાગોમાં હજુ વધુ હિમવર્ષા અને વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના બુલેટીનમાં એમ જણાવાયું છે કે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે ઈરાન તથા આસપાસના ભાગોમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ છે આજે તા.13મી જાન્યુઆરીથી ઉતરીય ભારતમાં પ્રભાવ પડવો શરૂ થશે. ભારેથી અતિભારે હિમવર્ષા થવાની શકયતા છે. ઉપરાંત ઉતરાખંડ-હિમાચલપ્રદેશના મેદાની ભાગોમાં વિજળીના કડાકાભડાકા સાથે તોફાની વરસાદ પણ થવાની શકયતા છે. પંજાબ, હરિયાણા તથા ઉતરપ્રદેશમાં પણ તોફાની વાતાવરણ સર્જાઈ શકે છે.
આ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર પૂર્ણ થાય તે પુર્વે 15મીથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રમાં નવુ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉભુ થશે. વાદળીયા વાતાવરણમાં ભેજ વધશે એટલે ઠંડીમાં ઘટાડો થશે. દિલ્હી સુધી હળવો-ભારે વરસાદ થઈ શકે છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ પશ્ર્ચિમી પવનો તથા વાદળોને કારણે ઠંડી ઘટશે. ચાલુ સપ્તાહમાં તાપમાન ચારેક ડીગ્રી વધીજાય તેમ છે અને તે નોર્મલ કરતા બે-ત્રણ ડીગ્રી ઉંચુ થઈ જશે. ભેજ અને વાદળાઓને કારણે તાપમાન વધી જતુ હોય છે. ચાલુ જાન્યુઆરી મહિનામાં કુલ ચાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ રહે તેમ છે.