બોલિવૂડ અભિનેત્રી શર્વરી વાઘ (ANI Photo)

ટાઈગર, વોર અને પઠાણ જેવી ફિલ્મોની સફળતાના પગલે યશરાજ ફિલ્મ્સે સ્પાય યુનિવર્સ ઊભું કરવા આયોજન કર્યું છે. એક્શન રોલમાં માત્ર હીરો પર મદાર રાખવાના બદલે યશરાજ ફિલ્મ્સે કેટરિના અને દીપિકા પાદુકોણને એક્શન ક્વીન તરીકે ઓળખ આપી હતી. સ્પાય યુનિવર્સનો વિસ્તાર વધારવા માટે માત્ર લેડી સુપર એજન્ટને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવાનો ઈરાદો યશરાજ ફિલ્મ્સે અગાઉ જાહેર કર્યો હતો. હવે આ દિશામાં આગળ વધતાં લેડી સુપર એજન્ટ માટે મુખ્ય અભિનેત્રી પણ પસંદગી થઇ ગઇ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘને પસંદ કરવામાં આવ્યા છે.

આલિયા ભટ્ટે પોતાની ગ્લેમરસ ઈમેજ બદલવાની કવાયત અંતર્ગત હોલિવૂડ સિરીઝ હાર્ટ ઓફ સ્ટોનમાં એક્શન સીક્વન્સ કર્યા હતા. જોકે, શર્વરી વાઘને ટૂંકી કરિયરમાં ગ્લેમરસ રોલ વધારે મળ્યા છે. આ બંને એક્ટ્રેસને સુપર એજન્ટ તરીકે પસંદ કરતાં પહેલા યશરાજ ફિલ્મ્સે લાંબી મથામણ કરી હતી. અગાઉ કેટરિના કૈફ અથવા દીપિકા પાદુકોણને કેન્દ્રમાં રાખીને લેડી એજન્ટની ફિલ્મ બનવાની શક્યતા હતી. કેટરિના કૈફ પોતે જાહેરમાં ઝોયા પર ફિલ્મ બનાવવાની માગણી કરી ચૂકી છે. ટાઈગરની જેમ ઝોયા પણ એક્શન કરી શકે છે તે ટાઈગર થ્રીમાં સાબિત થઈ ચૂક્યું છે. કેટરિનાની આ માગણીને સલમાન ખાને પણ સમર્થન આપ્યુ હતું. તેના પગલે યશરાજ ફિલ્મ્સ દ્વારા કેટરિના કૈફના ઝોયા કેરેક્ટરને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બને તેવી શક્યતા હતી.

દીપિકા પાદુકોણે શાહરૂખ ખાન સાથે પઠાણ અને ઋતિક રોશન સાથે ફાઈટરમાં એક્શન સીક્વન્સ કર્યા છે. ફિલ્મોમાં ગ્લેમરસ ડાન્સથી લઇને દિલધડક સ્ટન્ટ સુધીના દરેક પાસામાં દીપિકાએ પોતાની કાબેલિયત પુરવાર કરી છે. જેના પગલે દીપિકાને સાથે રાખીને યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરાએ પ્રોજેક્ટનો વિચાર કર્યો હોવાનું પણ કહેવાય છે. જોકે, નવી ફિલ્મમાં દર્શકોને અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સરપ્રાઈઝ આપતાં યશરાજ ફિલ્મ્સે આલિયા ભટ્ટ અને શર્વરી વાઘને પસંદ કર્યા હતા.

કહેવાય છે કે, યશરાજ ફિલ્મ્સે નવા પ્રોજેક્ટમાં ડાયરેક્શનની જવાબદારી શિવ રવૈલને સોંપી છે. જાણીતા ડાયરેક્ટર રાહુલ રવૈલના પુત્ર શિવે અગાઉ યશરાજ ફિલ્મ્સ સાથે કામ કર્યું હતું. ડાયરેક્ટર તરીકે શિવનો પ્રથમ પ્રોજેક્ટ ધ રેલવે મેન હતો. યશરાજ ફિલ્મ્સ માટે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર આ પ્રથમ પ્રોજેક્ટ હતો. દાયકાઓ જૂની ભોપાલ ગેસ હોનારતની રજૂઆત યૂથને પણ ગમી હતી. જેના કારણે ધ રેલવે મેનને ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રશંસા મળી હતી.

LEAVE A REPLY