પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ, સુધારા અને વધુ સારા વળતરને પગલે ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બિનનિવાસી ભારતીય (એનઆરઆઇ)ના રસમાં વધારો થઈ રહ્યો છે. એનઆરઆઇએ મકાન કે કોમર્શિયલ સ્પેસની ખરીદી વધારી દીધી છે. રિયલ્ટીમાં NRIના નવા રસ માટે બે-ત્રણ કારણો જવાબદાર છે. એક તરફ ડોલર સામે રૂપિયો ઘસાઈ રહ્યો છે, જેના કારણે તેઓ ઓછા ડોલર ખર્ચીને વધારે સારી પ્રોપર્ટી મેળવી શકે છે. આ ઉપરાંત વિશ્વભરમાં વ્યાજના દર પણ હવે ધીમે ધીમે વધી રહ્યા હોવાથી NRI માટે ભારતના રિયલ એસ્ટેટમાં વધારે તક છે.

જાણકારોના કહેવા પ્રમાણે મિડ-ઇન્કમ પ્રોજેક્ટથી લઈને પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટમાં NRI દ્વારા ખરીદીમાં વધારો થયો છે. 2022માં અત્યાર સુધીમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાની વેલ્યૂમાં 5.2 ટકા જેટલો ઘટાડો થયો છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રના હીરાનંદાણી ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર અને રિયલ એસ્ટેટ ઉદ્યોગની સંગઠન NAREDCOના વાઈસ ચેરમેન નિરંજન હીરાનંદાણીએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ઈકોનોમિક સ્થિતિ એવી છે કે તેણે એક ચેલેન્જ પેદા કરી છે. આવામાં ભારતીય રિયલ એસ્ટેટ ઉદ્યોગ ગ્રોથની તક આપે છે. કે રાહેજા કોર્પ હોમ્સના ચીફ એક્ઝિક્યુટિવ રમેશ રંગનાથને જણાવ્યું કે, ભારતીયોની વસતી મોટા પ્રમાણમાં હોય તેવા મિડલ ઈસ્ટના દેશો યુએઈ અને સાઉદી અરેબિયાએ પણ પોતાના ચલણને ડોલરની સામે એડજસ્ટ કર્યા છે. તેથી આ દેશોના ચલણ પણ રૂપિયાની સરખામણીમાં મોંઘા પડે છે

કયા શહેરોમાં ખરીદી

મુંબઈ, દિલ્હી-એનસીઆર, બેંગલુરુ અને પૂણે જેવા મેટ્રોપોલિટન શહેરોમાં, સમગ્ર ભારતમાં હિલ સ્ટેશનો અને બીચ પર આવેલા શહેરોમાં રિયલ એસ્ટેટની ડિમાન્ડમાં વધારો થયો છે. માત્ર વિદેશી ગ્રાહકો જ નહીં, પરંતુ સ્થાનિક ગ્રાહકો પણ આવી જ પ્રોપર્ટી પસંદ કરે છે. લક્ઝરી હોલિડે હોમ ડેવલપર ઇસપ્રવા ગ્રૂપના સ્થાપક અને ચીફ ઓપરેટિંગ ઓફિસર ધીમન શાહે જણાવ્યું કે ગલ્ફમાંથી એનઆરઆઈ દ્વારા પૂછપરછમાં વધારો થયો છે. અમારા માટે તે પહેલાથી મજબૂત માર્કેટ છે. આ ઉપરાંત સિંગાપોર અને હોંગ કોંગથી પણ ક્વેરી વધી છે. આ વર્ષમાં અમારો લગભગ 30 ટકા બિઝનેસ એનઆરઆઈ દ્વારા મળ્યો છે.