Indian businessman Mukesh Ambani, buy Liverpool club
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) REUTERS/Amit Dave/File Photo

બિલિયોનેર મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અમેરિકાના પ્રાઈવેટ ઈક્વિટી(PE) ફંડ એપોલો ગ્લોબલ મેનેજમેન્ટે યુકેની કેમિસ્ટ ચેઈન કંપની બૂટ્સને ખરીદવા માટે 5 બિલિયન પાઉન્ડ (અંદાજે રૂ.500 અબજ)ની બંધનકર્તા બિડ કરી હોવાનું જાણવા મળ્યું છે. બૂટ્સની પેરેન્ટ કંપની અમેરિકા સ્થિત વોલગ્રીન્સ બૂટ્સ એલાયન્સ (WBA) લઘુમતી હિસ્સો જાળવી રાખશે. જોકે આ અહેવાલ અંગે રિલાયન્સ કે બૂટ્સ તરફ કોઇ ટીપ્પણી થઈ ન હતી.

સૂત્રોએ કહ્યું હતું કે રિલાયન્સ અને એપોલો સંયુક્ત રીતે મળીને કેટલો હિસ્સો ખરીદી રહ્યા છે તે સ્પષ્ટ થયું ન હતું. રિલાયન્સ આ એક્વિઝિશન મારફતે ફાર્મસી અને બ્યૂટી રિટેલિંગમાં ઉમેરો કરશે અને તેના રિટેલ બિઝનેસને આગળ ધપાવશે. તે ભારતમાં બૂટ્સનો વ્યાપ વધારશે. રિલાયન્સે આ અંગે મોકલાયેલા ઈ-મેલનો તાત્કાલિક કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

બૂટ્સ હાલમાં યુનાઈટેડ કિંગડમ (યુકે), આયર્લેન્ડ, ઈટાલી, નોર્વે, ધ નેધરલેન્ડ્સ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયામાં તેનો બિઝનેસ ધરાવે છે. યુકેમાં તેના કુલ 2200થી વધુ સ્ટોર્સ છે જેના માટે તેને ફંડની જરૂર છે કારણ કે રિટેલિંગ ઓનલાઈન તરફ શિફ્ટ થઈ રહ્યું છે. બૂટ્સની યુએસ સ્થિત પેરેન્ટ કંપનીએ ગયા ડિસેમ્બરમાં બિઝનેસ વેચવા કાઢ્યો હતો જેથી તે ત્યાં સ્થાનિક માર્કેટમાં હેલ્થકેર પર ફોકસ કરી શકે.

બૂટ્સની સ્થાપના વર્ષ 1849માં ક્વેકર જ્હોન બૂટ દ્વારા કરવામાં આવી હતી. તેણે ઈટાલીયન બિલિયોનેર સ્ટેફાનો પેસિનાના એલાયન્સ યુનિકેમ સાથે હાથ મિલાવ્યા બાદ 2007થી તે ખાનગી કંપની બની છે. 2017માં WBA બૂટ્સનો મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ફ્રાન્સની ફેરેવાને વેચી દીધો હતો, જેમાં નોટિંગહામની ફેક્ટરીનો પણ સમાવેશ છે.

સૂત્રોએ કહ્યું હતું કે પ્રાઈવેટ ઈક્વિટી ગ્રુપ્સ બૈન કેપિટલ અને સીવીસી કેપિટલ પાર્ટનર્સે અગાઉ બિડની શરૂઆતની પ્રક્રિયામાં ભાગ લીધા બાદ વિચાર પડતો મૂક્યો હતો. યુકેના અન્ય સુપરમાર્કેટ ગ્રુપ અસદાના મોહસિન અને ઝુબેર ઈસા અને પ્રાઈવેટ ઈક્વિટી ગ્રુપ ટીડીઆર કેપિટલે બિડ કરી છે કે કેમ તે સ્પષ્ટ થયું ન હતું.