Bharat bill payment system
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

NRIs ભારત બિલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી યુટિલિટી બિલ્સનું પેમેન્ટ કરી શકશે.ભારતની સેન્ટ્રલ બેન્ક આરબીઆઇએ શુક્રવારે જણાવ્યું હતું કે તે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફત ક્રોસ બોર્ડર ઇનવર્ડ પેમેન્ટની પરવાનગી આપશે. તેનાથી બિનનિવાસી ભારતીયો ભારતમાં તેમના પરિવારો વતી યુટિલિટી બિલ અને એજ્યુકેશન ફીની ચુકવણી કરી શકશે.

ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) સ્ટાન્ડર્ડાઇઝ બિલ પેમેન્ટ માટેનું એક પ્લેટફોર્મ છે. આ સિસ્ટમમાં આશરે 20,000 બિલર્સનો સમાવેશ થાય છે. તેમાં માસિક ધોરણે આશરે 8 કરોડ ટ્રાન્ઝેક્શન અને તેનું પ્રોસેસિંગ થાય છે.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમથી ભારતમાં યુઝર્સ માટે બિલ પેમેન્ટના અનુભવમાં પરિવર્તન આવ્યું છે, હવે તેને ક્રોસ બોર્ડર ઇનવર્ડ બિલ પેમેન્ટ સ્વીકારવા માટે સક્ષમ બનાવવાની દરખાસ્ત છે. તેનાથી બિનનિવાસી ભારતીયો ભારતમાં તેમના પરિવારો વતી યુટિલિટી, એજ્યુકેશન અને આવા બીજા પેમેન્ટ કરી શકશે. તેનાથી ખાસ કરીને સિનિયર સિટિઝનને વિશેષ લાભ થશે.

એક નિવેદનમાં આરબીઆઇએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ઇન્ટરોપેરેબલ સિસ્ટમથી બીબીપીએસ પ્લેટફોર્મમાં સામેલ કોઇ બિલરને બિલના પેમેન્ટનો લાભ પણ મળશે. રિઝર્વ બેન્ક આ સંદર્ભમાં ટૂંકસમયમાં જરૂરી સૂચનાઓ જારી કરશે.

હવે એનઆરઆઇ ભારતમાં તેમના માતાપિતા વતી સીધી રીતે વીજળી, પાણી બિલ અને બીજા યુટિલિટી બિલનું પેમેન્ટ કરી શકશે. રિઝર્વ બેન્કે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફત આ પ્રક્રિયાને શક્ય બનાવી છે. અગાઉ આ સર્વિસ ભારતમાં રહેતા ગ્રાહકો માટે જ ઉપલબ્ધ હતી.

ક્રોસ બોર્ડર ઇનવર્ડ પેમેન્ટ ઓફર કરવા માટે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમને છૂટ આપવાની આરબીઆઇની દરખાસ્ત આવકાર્ય પગલું છે. આ પ્લેટફોર્મમાંથી ભારતમાં બિલ પેમેન્ટના અનુભવમાં પરિવર્તન આવ્યું છે. વિદેશમાાં રહેલા ભારતીય માટે પણ બિલ પેમેન્ટના અનુભવમાં પરિવર્તન આવશે.

એનઆરઆઇને હવે આ સિસ્ટમની વિવિધ સર્વિસનો લાભ મળશે. તેમને વિશ્વસનીય બિલ પેમેન્ટ, ગ્રાહક ફરિયાદ નિવારણ મેકેનિઝમ, એકસમાન કસ્ટર કન્વેનિયન્સ ફી જેવી સર્વિસનો લાભ લઈ શકશે.

યુરોનેટ વર્લ્ડવાઇડના મેનેજિંગ ડિરેક્ટર (ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા) પ્રણય ઝવેરીએ જણાવ્યું હતું કે ક્રોસ બોર્ડર ઇન્વર્ડ બિલ પેમેન્ટ માટે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમને સમક્ષ બનાવવાની દરખાસ્તથી વિદેશમાં રહેતા ભારતીય લોકો તેમના પરિવાર અને ખાસ કરીને સિનિયર સિટિઝનને સપોર્ટ કરી શકશે. વરિષ્ઠ નાગરિકોને બિલ પેમેન્ટની ઝંઝટમાં મુક્તિ મળશે. તે યોગ્ય દિશાનું પગલું છે, તેનાથી ભારતમાં વધારાનું વિદેશ હૂંડિયામણ પણ આવી શકે છે. આપણે અમલ અને નિયમો અંગેના નિર્દેશોની રાહ જોવી પડશે.