ભારતમાં રવિવારે ઓમિક્રોન વેરિયન્ટના નવા 552 કેસ નોંધાયા હતા અને તેની સાથે આવા કુલ કેસની સંખ્યા વધીને 3623 થઈ છે. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓમિક્રોન ફેલાઈ ચુક્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 1,409 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. 1,009 ઓમિક્રોન કેસ સાથે મહારાષ્ટ્ર દેશમાં પહેલા નંબરે છે જેમાંથી 439 દર્દીઓએ ઓમિક્રોનને હરાવી દીધો છે. દિલ્હીમાં 513, કર્ણાટકા 441, રાજસ્થાન 373 અને કેરળ 353 અને ગુજરાતમાં 204 ઓમિક્રોન કેસ નોંધાયા છે. ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટ ઓછો ફેલાયો છે, પરંતુ કોરોનાના કેસમાં જંગી વધારો થઈ રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જારી કરેલા ડેટા મુજબ દેશમાં રવિવારે કોરોનાના નવા 1,59,632 કરોડ કેસ નોંધાયા હતા, જે 224 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે. આની સાથે કોરોનાથી દૈનિક 327 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,83, 790 થયો હતો.

બીજી લહેર કાબૂમાં આવ્યા પછી પાછલા કેટલાક લાંબા સમયથી 28 ડિસેમ્બર સુધી કોરોનાના દૈનિક કેસનો આંકડો 10 હજારની અંદર નોંધાતો હતો. જોકે, 15 જ દિવસમાં ઓમિક્રોનના કેસમાં વધારો થતા કોરોનાએ ફરી પાછો પોતાનો ભડકો કરવાનું શરુ કર્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ઝડપથી નવા કેસનો આંકડો વધી રહ્યો છે. 30 મે પછી ફરી એકવાર દેશમાં કોરોનાના દૈનિક કેસ 1.50 લાખને પાર થઈ ગયા છે.

કોરોનાના નવા કેસમાં વધારો થવાની સાથે દૈનિક પોઝિટિવિટી રેટ પણ ઝડપથી વધી રહ્યો છે, પાછલા 24 કલાકનો પોઝિટિવિટી રેટ 10.21% નોંધાયો છે. ગઈકાલે દેશમાં 1,41,986 કેસ નોંધાયા હતા અને 285 દર્દીઓના મૃત્યુ થયા હતા. જેની સામે આજે કેસમાં વધુ ઉછાળો નોંધાયો છે.

ભારતમાં કોરોનાના કેસમાં પાછલા 10 દિવસમાં થયેલા ઝડપી વધારાના કારણે એક્ટિવ કેસ 5,90,611 સાથે 6 લાખની નજીક પહોંચી ગયા છે. દેશમાં ગઈકાલે 40 હજારથી વધુ દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,44,53,603 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 4,83,790 થઈ ગયો છે.

કોરોના વાયરસ સામે લડત આપવા માટે દેશમાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાનમાંં કુલ 151.58 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. વધુ 2022ની શરુઆતથી 15થી 17 વર્ષના વર્ગનો પણ રસીકરણ માટે સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વાલીઓ મોટી સંખ્યામાં પોતાના બાળકોને કોરોનાથી સુરક્ષા અપાવવા માટે રસી માટે આગળ આવી રહ્યા છે. ઓમિક્રોન વાયરસ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ કરતા હળવો હોવાનું વિવિધ એક્સપર્ટ્સ દ્વારા શરુઆતના તબક્કામાં સ્વીકારવામાં આવ્યું છે પરંતુ આ વાયરસ ઝડપથી લોકોને સંક્રમિત કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે.