ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા બાદ દેશભરમાં તેના ફેલાવાની ચિંતા ઊભી થઈ છે ત્યારે કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે ઝડપથી વેક્સિનેશન અને ડેલ્ટા વેરિયન્ટનું ઊંચુ સંક્રમણ થઈ ચુક્યું હોવાથી ઓમિક્રોન વેરિયન્ટની તીવ્રતા ઓછી રહેવાની ધારણા છે. કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ અંગેનો નિર્ણય નિષ્ણાતોના વિજ્ઞાનિક માર્ગદર્શનને આધારે કરવામાં આવશે.

જોકે કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે નવા વેરિયન્ટની સંભવિત તીવ્રતા માટેના વૈજ્ઞાનિક પુરાવા હજુ ઊભરી રહ્યાં છે. નવા વેરિયન્ટને કારણે બૂસ્ટર ડોઝ અંગેની ચર્ચાને વેગ મળ્યો છે અને કેટલાંક રાજ્યોએ ટેસ્ટિંગ અને સર્વેલન્સમાં વધારો કર્યો છે, ત્યારે સરકારે આ નિવેદન આપ્યું છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં ઝડપથી રસીકરણ અને હાઇ સેરોપોઝિટિવટીના પુરાવા મુજબ ડેલ્ટા વેરિયન્ટના વધુ સંક્રમણને કારણે નવા વેરિયન્ટની ઘાતકતા નીચી રહેવાની શક્યતા છે. જોકે આ અંગેના વૈજ્ઞાનિક પુરાવા હજુ ઊભરી રહ્યાં છે.

સરકારે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત નોંધાયેલા નવા વેરિયન્ટ સામે હાલની વેક્સિન કામ કરતી નથી તેવું સૂચવવા માટેના કોઇ પુરાવા નથી.પરંતુ વેક્સિન હજુ પણ સુરક્ષા ઓફર કરે છે અને વેક્સિન મહત્ત્વની છે. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં દસ લાખની વસતિ દીઠ 25,000 કોરોના કેસ અને 340ના મોત થયા છે, આમ ભારત વિશ્વમાં સૌથી ઓછા કેસ ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે.