મણિપુર હિંસાના વિરોધમાં કોંગ્રેસે 20 જુલાઇએ દિલ્હીમાં દેખાવો કર્યા હતા. . (PTI Photo)

આશરે છેલ્લાં એક મહિનાથી હિંસાગ્રસ્ત મણિપુરમાં એક ટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવી હોવાનો એક કથિત વીડિયો બુધવારે બહાર આવતા ચકચાર મચી હતી અને સરકાર પર પસ્તાળ પડી હતી. આ ઘટના રાજધાની ઇમ્ફાલથી આશરે 35 કિલોમીટર દૂર કાંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ બની હતી. તેનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભારતના આ ઉત્તરપૂર્વીય રાજ્યમાં 3મેથી મૈત્રેઇ અને આદિવાસી સમુદાય વચ્ચે વંશીય હિંસા ચાલી રહી છે અને તેમાં આશરે 160 લોકોના મોત થયા છે. બંને સમુદાયો એકબીજા પર હુમલા કરી રહ્યાં છે.

એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે 900 થી 1,000ના ટોળાએ બી ફેનોમ ગામમાં હુમલો કર્યા પછી પાંચ ગ્રામવાસીઓ – બે પુરૂષો અને ત્રણ મહિલાઓ – નજીકના જંગલમાં ભાગી ગયા હતા. નોંગપોક સેકમાઈ પોલીસે તેમને બચાવ્યા હતા. જોકે ટોળાએ પાંચ જણને પોલીસ કસ્ટડીમાંથી છીનવી લીધા હતા અને 56 વર્ષીય સોતીંકમ વાઈફેઈ નામના એક પુરૂષને સ્થળ પર જ મારી નાખ્યો હતો અને ત્રણ મહિલાઓને તેમની સામે કપડાં ઉતારવાની ફરજ પાડી અને એક મહિલા પર ધોળા દિવસે નિર્દયતાથી ગેંગરેપ” કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની નોંધ લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વીડિયો જોઈને ખૂબ જ પરેશાન છીએ. અમે સરકારને પગલાં ભરવા માટે સમય આપીએ છીએ. જો તેમ છતા કોઈપણ કાર્યવાહી નહીં થાય, તો અમે પગલાં ભરીશું. આ તરફ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મારું હૃદય દ્રવી ઉઠ્યું છે. આ ઘટનાથી 140 કરોડ ભારતીયોને નીચું જોવા જેવું થયું છે. કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં.

મણિપુર પોલીસે અપહરણ, ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી હતી બાકીની શોધખોળ ચાલુ કરી હતી. ભાજપ શાસિત મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે કહ્યું છે કે અમે તમામ આરોપીઓને ફાંસીની સજા અપાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરીશું.

 

LEAVE A REPLY