પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે 10 દિવસમાં ઓક્સિજન કન્સેન્ટ્રેટર, ઓક્સિમીટર અને નેબુલાઈઝરના ભાવમાં જંગી વધારો થયો છે. માગની સરખામણીમાં સપ્લાય ઓછો હોવાથી આ વસ્તુઓના ભાવ વધી ગયા છે. ઈ-કોમર્સ કંપની એમેઝોનનું કહેવું છે કે, તેણે એવા વેન્ડર્સને હટાવવાનું શરૂ કરી દીધું છે, જે એમઆરપી કરતા વધુ કિંમતે આ વસ્તુઓ વેચી રહ્યા છે. ઓર્ગેનાઈઝ્ડ મેડિકલ ડિવાઈસીઝ ઈન્ડસ્ટ્રી, કાયદાના જાણકારો અને કન્ઝૂમર્સે આ વસ્તુઓ પર ભાવ નિયંત્રણ લાગુ કરવાની માગ કરી છે. હવામાંથી ઓક્સિજન જનરેટ કરનારા ઓક્સિજન કન્સેન્ટ્રેટરની કિંમત છેલ્લા એક સપ્તાહમાં બે ગણી થઈ ગઈ છે.એવા ગ્રાહકોની હજારો ટ્વીટ વાયરલ થઈ છે, જેમને ઓક્સિજન કન્સેન્ટ્રેટર ખરીદવા માટે 1 લાખ કરતા વધુ રૂપિયા ચૂકવવા પડ્યા છે. સામાન્ય રીતે તે 45,000માં મળે છે. આ ડિવાઈસનું માસિક ભાડું પણ 5,000 રૂપિયાથી વધીને 10,000થી 20,000 રૂપિયા થઈ ગયું છે.

ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર જીવલેણ બની છે અને ઘણા દર્દીઓમાં ઓક્સિજનની અછત સર્જાતા મોત થયુ હોવાની ઘણી ઘટનાઓ બની છે. હાલ દેશભરમાં શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ માપતા મશીન ઓક્સિમીટરની ઘણી અછત સર્જાઇ છે અને તેના લીધે તેની કિંમત પણ અતિશય વધી ગઇ છે. આ ઓક્સિમીટર ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્લેટફોર્મ્સથી ખરીદી શકાય છે. આ સંકટકાળમાં અછત અને વધુ માંગનો ફાયદો ઉઠાવતા મેડિકલ સ્ટોરવાળા અને વેપારીઓ ઓક્સિમીટરની અછત હોવાનું કારણ જણાવી લોકોને ઉંચા ભાવે તેનું વેચાણ કરી રહ્યા છે. પહેલા જે ઓક્સિમીટર રૂ.500-800મા વેચાતું હતું, તે હાલ રૂ. 2000 રૂપિયામાં વેચાઇ રહ્યુ છે. ભારતમાં હાલ ઓક્સિમીટરનુ મેન્યુફેક્ચરિંગ થતુ નથી અને તેની વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.