પાકિસ્તાનમાં બેરોજગારીમાં મોટો વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સના ડેટા અનુસાર બેરોજગારીનો દર 16 ટકાથી ઊંચો ગયો છે. હાલમાં 24 ટકા શિક્ષિત યુવાનો બેરોજગાર છે. આ રિપોર્ટે વડાપ્રધાન ઇમરાન ખાનના દાવાની પોલ ખોલી દીધી છે. ઇમરાન ખાને અગાઉ જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારીનો દર 6.5 ટકાથી નીચો છે.

પાકિસ્તાન વર્તમાનપત્ર ડોનના એક અહેવાલથી અંદાજ મળે છે કે બેરોજગારીનો દર કેટલો ઊંચો છે. આ રિપોર્ટ મુજબ પાકિસ્તાનની કોર્ટમાં પટાવાળાની પોસ્ટ માટે 15 લાખ લોકોએ અરજી કરી હતી. અરજદારોમાં એમફીલ કરેલા ઉમેદવારો પણ હતા.

આ ઇન્સ્ટીટ્યૂટે સેનેટની યોજના અને વિકાસ અંગેની સ્થાયી સમિતિને તેના સરવેની માહિતી આપી હતી. તેમાં જણાવાયું હતું કે દેશના 40 ટકા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનો બેરોજગાર છે. આમાંથી ઘણા યુવાનોએ વધુ સારી નોકરી મેળવવા માટે એમફીલ સુધીનો અભ્યાસ કર્યો છે. જો આવા લોકોને સામેલ કરવામાં આવે તો બેરોજગારીનો દર ઘણો ઊંચો જઈ શકે છે.

પાકિસ્તાનના આંકડા બ્યૂરોના સરવેમાં જણાવાયું છે કે 2017-18માં દેશમાં બેરોજગારીનો દર 5.8 હતો, જે 2018-19માં વધીને 6.9 ટકા થયો હતો. ઇમરાન ખાન સરકારના એક વર્ષમાં બેરોજગારીના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પુરુષ બેરોજગારીનો દર 5.1 ટકાથી વધીને 5.9 ટકા અને મહિલા બેરોજગારીનો દર 8.3 ટકાથી વધીને 10 ટકા થયો છે. આ વર્ષના જૂનમાં જારી થયેલા અહેવાલમાં કોરોના મહામારીની વ્યાપક અસરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહામારીને કારણે રોજગારીને ફટકો પડ્યો છે. કોરોના મહામારીને કારણે પાકિસ્તાનમાં આશરે બે કરોડ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ હતી.