પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સ્પષ્ટ કર્યું હતું કે તે અમેરિકાને અફઘાનિસ્તાનમાં કોઈ પણ કાર્યવાહી માટે તેના સૈનિક મથકો અથવા તેના ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. તાલિબાનોએ પાકિસ્તાનના આ નિર્ણયને આવકાર્યો હતો.

ઇમરાન ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે અમેરિકાને તેના કોઈપણ એરબેઝ અથવા તેના ક્ષેત્રનો ઉપયોગ કરવા દેશે નહીં. અમેરિકાને એરબેસ આપવાના પ્રશ્નના સંદર્ભમાં વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે બિલ્કુલ નહીં. આવો કોઈ પણ રસ્તો નથી, જેનાથી અમે કોઈપણ પ્રદેશ, પાકિસ્તાન ક્ષેત્રથી અફઘાનિસ્તાનમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહીની મંજૂરકી આપવા જઈ રહ્યા છીએ. બિલ્કુલ નહીં.

તાજેતરમાં સંસદમાં પોતાના ભાષણમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે અમેરિકાને સૈનિક મથકો પૂરા પાડવાની શક્યતાને નકારી કાઢી હતી. કુરેશીએ આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે સરકાર ક્યારેય પણ યુએસને સૈન્ય મથકો નહીં આપે અને ન તો પાકિસ્તાનની અંદરથી અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલો કરવાની મંજૂરી આપશે.