અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડેને પાકિસ્તાન અંગે ખૂબ જ મહત્ત્વનું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, હું માનું છું કે, વિશ્વના સૌથી જોખમી દેશોમાં કદાચ પાકિસ્તાન પણ છે. વ્હાઈટ હાઉસે બાઈડેનનું આ નિવેદન જાહેર કર્યું છે. બાઈડને આ વાત ડેમોક્રેટિક કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના રીસેપ્શનમાં જણાવી હતી.
8 સપ્ટેમ્બરે બાઈડેન એડમિનિસ્ટ્રેશને ટ્રમ્પના શાસનકાળમાં લેવાયેલા નિર્ણયને બદલાવીને F-16 ફાઈટર જેટ માટે પાકિસ્તાનને 45 કરોડ ડોલરનાના સાધનોની ખરીદીને મંજૂરી આપી હતી. આ નિર્ણયથી ભારત માટે મોટો આંચકો માનવામાં આવ્યો હતો.
પાકિસ્તાનને સૈન્ય મદદ કરવા બદલ ભારતે વાંધો ઉઠાવ્યો હતો. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના અમેરિકન ડીફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિનને ફોન કરીને કહ્યું હતું કે, આ નિર્ણયથી ભારતના હિતને અસર થશે. પછી અમેરિકાના આસિસ્ટન્ટ ડીફેન્સ સેક્રેટરી એલી રેટનરે કહ્યું કે, પાકિસ્તાનને મંજૂર કરવામાં આવેલી મદદ ભારતને કોઈ પણ પ્રકારનો સંદેશ મોકલવા માટે નથી. અમેરિકાના હિતોને ધ્યાનમાં રાખીને અને પાકિસ્તાન સાથેના સૈન્ય સહયોગ હેઠળ આ મદદને મંજૂરી આપવામાં આવી છે. આનાથી પાકિસ્તાનના પરમાણુ હથિયારોનું પણ રક્ષણ થશે. પ્રેસિડેન્ટ બાઈડેને પાકિસ્તાનને સીધી રીતે જ જોખમી દેશ ગણાવ્યો હતો. બાઇડેનનું આ નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે બાઈડેને પોતે રશિયાની ધમકી પછી કહ્યું છે કે, તેઓ પણ કડક કાર્યવાહી કરવાનું નહીં ચૂકે.












