સુરત જિલ્લાના પલસાણા ગ્રામ પંચાયતની ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ દેશની ૧.૪૪ લાખ પંચાયતોમાંથી નેશનલ ઈ-ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઇ છે. ગુજરાત અને સમગ્ર દેશમાં ઈ-ગવર્નન્સમાં અનેરી સિદ્ધિ હાંસલ કરનાર પલસાણા ગ્રામ પંચાયતને વિશેષ શ્રેણી “Grassroot Level Initiatives for Deepening/Widening of Service Delivery” માટે આ એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ વિશાખાપટ્ટનમ ખાતે યોજાનાર ‘૨૮મી નેશનલ ઈ-ગવર્નન્સ કોન્ફરન્સ’ દરમિયાન કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એનાયત કરાશે. પલસાણા ગ્રામ પંચાયતે લોકસેવા પહોંચાડવાની પદ્ધતિમાં ડિજિટલ રૂપાંતર લાવીને પારદર્શિતા, ઝડપ અને કાર્યક્ષમતા વધારવાનું કાર્ય કર્યું છે. ઈ-ગવર્નન્સના માધ્યમથી સ્થાનિક નાગરિકોને સુગમ અને અસરકારક સેવાઓ સુલભ બનાવી છે, જેને કારણે આ ગામ દેશભરમાં ઉદાહરણરૂપ બન્યું છે. પલસાણા ગ્રામ પંચાયત દ્વારા ૧૦૦% વેરા વસુલાતની કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે. વધુમાં ગ્રામ પંચાયત કક્ષાએ વી.સી.ઈ. અને તલાટી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન અંદાજિત ૧૭,૪૮૪ જેટલી ઓનલાઈન સેવાઓ ગ્રામજનોને પૂરી પાડવામાં આવી હતી. “Secure Palsana” અંતર્ગત પલસાણા ગ્રામ પંચાયતે ગામમાં વિવિધ જગ્યાએ અંદાજે ૭૫ જેટલા સી.સી.ટી.વી કેમેરાની ગોઠવણી કરી છે. ગ્રામ પંચાયત દ્વારા ડોર -ટુ-ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી નમૂનેદાર છે. ગ્રામજનો માટે હાલમાં ઈ-લાયબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે. સરપંચ પ્રવીણભાઈ આહિર અને ઉપસરપંચ પરેશભાઈ મૈસુરીયાના અથાગ પ્રયત્નો અને ગ્રામજનોના હિતને સર્વોપરી રાખીને કામ કરવાની ભાવના થકી ગ્રામ પંચાયત પલસાણા આ એવોર્ડ માટે હક્કદાર બન્યું છે.
