Gujarati film, Chello Show

ગુજરાતી મૂળના હોલીવૂડના ફિલ્મ સર્જક અને એક્ટર પાન નલિનની આંતરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનારી ફિલ્મ ‘છેલ્લો શો’ (અંગ્રેજી ટાઇટલ લાસ્ટ ફિલ્મ શો)ની ઓસ્કાર્સ 2023માં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મને આગામી એકેડમી એવોર્ડસમાં બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરી માટે નોમિનેટ કરાઈ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મંગળવારે આ જાહેરાત કરી હતી.

ભારત તરફથી આ વખતે આરઆરઆર અથવા કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ઓસ્કરમાં જઈ શકે છે તેવી અટકળો ચાલતી હતી. જોકે, ભારતીય ફિલ્મ ફેડરેશનની જ્યૂરીએ ‘છેલ્લો શો’ ની પસંદગી કરી છે.

આ ન્યૂઝ અંગે પ્રતિક્રિયા આપતા પાન નલિને ટ્વીટર પર ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને એફએફઆઇના જ્યૂરી સભ્યોનો આભાર માન્યો હતો. છેલ્લો શોને પસંદ કરવા બદલ આભાર.

આ ફિલ્મ અગાઉ જ સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ ચુકી છે અને એવોર્ડઝ સાથે પ્રશંસા પામી ચુકી છે. ભારતમાં આ ફિલ્મ આગામી 14મી ઓક્ટોબરે રજૂ થવાની છે. રોબર્ટ દી નીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું વર્લ્ડ પ્રિમિયર યોજાયું હતું.

‘છેલ્લો શો’ પાન નલિનની પોતાની જીવનકથા પરથી પ્રેરિત છે. સૌરાષ્ટ્રના ચલાલા ગામનો નવ વર્ષનો બાળક કેવી રીતે સિનેમા હોલના ટેકનિશિયનને સાધીને ફિલ્મો જુએ છે અને તે રીતે તે ફિલ્મોના પ્રેમમાં પડે છે તેની વાત ફિલ્મમાં બહુ સંવેદનશીલ રીતે કહેવાઈ છે.ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રીચા મીના , દિપેન રાવલ તથા પરેશ મહેતાએ ભૂમિકા ભજવી છે.

ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે 14 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના પસંદગીના સ્ક્રીન પર રિલીઝ થશે.

દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે. આ ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના છોકરાને અનુસરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતા બંનેથી લડીને, તે “ફિલ્મ શો” માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે.

પાન નલિને જણાવ્યું, “અમે આ ફિલ્મમાં એવા નિર્માતા સાથે કામ કરવા માટે રોમાંચિત છીએ કે જેની હું ખરેખર પ્રશંસા કરું છું, સિદ્ધાર્થ રોય કપૂર. તેઓએ મનોરંજક સિનેમા બનાવવા માટે તેમનો જુસ્સો અને ઝંખના સાબિત કરી છે, અને તેમની સહાયથી, અમે ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) દ્વારા ભારતીય દર્શકોનું મનોરંજન કરવા આતુર છીએ. અમારી ફિલ્મને વિશ્વભરના દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, અને રોય કપૂર ફિલ્મ્સના સમર્થન સાથે, અમે તેને મારા હોમ સ્ટેટ ગુજરાત અને બાકીના ભારતમાં સારી રીતે રિલીઝ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. હું એ વાતથી પણ ઉત્સાહિત છું કે ભારતની રિલીઝ યુએસએ, ઇટલી અને જાપાનમાં તેની થિયેટર રિલીઝ સાથે એકરુપ થશે.”

LEAVE A REPLY

five × 1 =