નવી દિલ્હીમાં 18મી લોકસભાના છઠ્ઠા સત્રનો પ્રારંભ પહેલી ડિસેમ્બરે થયો હતો. 19 દિવસ દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ અને સતત અવરોધો-સૂત્રોચ્ચારો સાથે આ સત્રનું સમાપન થયું છે. શિયાળુ સત્રમાં મુખ્યત્વે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (સર)ની પ્રક્રિયા અને મનરેગાનું નામ બદલીને વીબી-જી રામ જી રાખવાનો વિવાદ છવાયેલો રહ્યો. 19 દિવસમાં 10 મહત્ત્વના બિલ રજૂ થયા હતા, જેમાંથી આઠને પસાર કરવામાં આવ્યા હતા. સત્રના પ્રથમ દિવસની જેમ જ છેલ્લા દિવસે પણ બંને ગૃહની કાર્યવાહી મુલતવી રખાઈ હતી.
સંસદના બંને ગૃહમાં મુખ્યત્વે વંદે માતરમ ગીતની 150મી જયંતિ નિમિત્તે થયેલી ચર્ચા અને મતદાર યાદી સુધારણા અભિયાન પર ગહન ચર્ચા થઈ. જો કે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં પ્રદૂણની સમસ્યા અંગે ચર્ચા રાખવાના પ્રસ્તાવ પર અમલ થઈ શક્યો નહીં. શિયાળુ સત્રની 15 બેઠકો દરમિયાન લોકસભાએ 92 કલાક 25 મિનિટ કામ કર્યુ હતું. સ્પીકર ઓમ બિરલાએ આ સત્રમાં પ્રોડક્ટિવિટી રેટ 111 ટકા રહ્યો હોવાનું જણાવ્યું હતું. ગૃહમાં 300 તારાંકિત પ્રશ્નો સમાવાયા હતા અને તેમાંથી 72નો મૌખિક જવાબ અપાયો હતો. 3,499 અતારાંકિત પ્રશ્નો હતાં.
વીમા ક્ષેત્રે 100 ટકા સીધા વિદેશી મૂડી રોકાણને મંજૂરી આપતું બિલ સંસદના બંને ગૃહે પસાર કર્યું હતું. અણુ ઉર્જા ક્ષેત્રે ખાનગી ક્ષેત્રને મંજૂરી આપતાં શાંતિ બિલને વિપક્ષના વોટઆઉટ સાથે લોકસભામાં પસાર કરાયું હતું. આ ઉપરાંત વિકસિત ભારત ગ્રામ રોજગાર ઔર માનવ ગરિમા (વીબી-જી રામ જી) બિલનો વિપક્ષે વિરોધ કર્યો હતો. સરકારને રૂ.1.32 લાખ કરોડના અતિરિક્ત ખર્ચની સુવિધા આપતું એપ્રોપ્રિએશન બિલ (નં.4) તથા અપ્રસ્તુત બનેલા 71 કાયદાને દૂર કરતું રીપિલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ પસાર કરાયું હતું.














