ભારતના સંરક્ષણ મંત્રાલયની એક સમિતિએ આર્મી, નૌકાદળ અને વાયુસેના માટે રડાર, રેડિયો, ઓટોમેટિક ટેક-ઓફ લેન્ડિંગ રેકોર્ડિંગ સિસ્ટમ્સ અને અન્ય શસ્ત્રો ખરીદવા માટેની રૂ.79,000 કરોડ ($8.78 અબજ)ની દરખાસ્તોની મંજૂરી આપી હતી.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. આ દરખાસ્ત મુજબ ભૂમિદળ માટે અત્યાધુનિક હથિયારો અને ડ્રોન વિરોધી સિસ્ટમ ખરીદવામાં આવશે. આનાથી દુશ્મનના મહત્ત્વના ઠેકાણાઓ પર સરળતાથી હુમલો કરી શકાશે.આ ઉપરાંત ‘લો-લેવલ લાઇટ વેટ રડાર’ ખરીદવાની પણ મંજૂરી મળી ગઈ છે. આ રડારથી સરહદ પર ઉડતા કોઈપણ નાનાથી લઈને મોટા ડ્રોનને સરળતાથી શોધી શકાશે અને તેનો નાશ કરી શકાશે. તેનાથી ડ્રોનને ટ્રેક પણ કરી શકાશે.
ભારતનું સ્વદેશી પિનાક રૉકેટ લોન્ચર માટે ‘લૉન્ગ રેન્જ ગાઇડેડ રૉકેટ’ તૈયાર કરાશે. આનાથી તેની રેન્જ વધવાની સાથે ચોકસાઈ પણ વધશે. ડીલમાં ઇન્ટિગ્રેટેડ ડ્રોન ડિટેક્શન એન્ડ ઇન્ટરડિક્શન સિસ્ટમ Mk-IIનો પણ ઉલ્લેખ કરાયો છે. આ સિસ્ટમ દુશ્મનોના ડ્રોનને સરળતાથી ઓળખી તેનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.













