. (PTI Photo)

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને મંત્રમુગ્ધ કરતાં ભાષણ માટે વિશ્વભરમાં નામના ધરાવે છે. વિકાસ સહિતના તમામ મુદ્દે જેટલી સરળતા અને અસરકારક રીતે તેઓ પોતાની વાત રાખે છે કે કોઈ તૈયારી વગર પણ તેમનું ભાષણ લોકોના મનને અસર કરી જાય છે. બીજા નેતાઓની જેમ તેઓ લખેલું ભાષણ વાંચતા નથી. તેમની વિશેષતા એ છે કે તેઓ પોતાની વક્તૃત્વ શૈલી દ્વારા કોઈ પણ પ્રકારના શ્રોતા વર્ગ સાથે સંબંધ બનાવી લે છે. ભાજપની રેલીઓ અને ચૂંટણી માટેની જનસભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ભીડ ઉમટી પડે છે.

તેનાથી કોણ વડાપ્રધાનનું આ ભાષણ લખે છે તેવો સવાલ જરૂર થાય. શું વડાપ્રધાન પોતે જ આ ભાષણો લખે છે કે અન્ય કોઈ તેને તૈયાર કરે છે? ભાષણ લખનારી ટીમમાં કયા લોકો સામેલ છે અને તેમને કેટલા રૂપિયા મળે છે? આ બધા સવાલો જરૂર થતા હશે.

એક RTI હેઠળ વડાપ્રધાન કાર્યાલય (PMO) પાસે આ અંગે જાણકારી માંગવામાં આવી હતી. જેના જવાબમાં પીએમઓએ જણાવ્યું હતું કે કાર્યક્રમોના સ્વરૂપ અને સ્થિતિને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વ્યક્તિ, અધિકારી, વિભાગ, સંસ્થા, સંગઠન વગેરે અભિપ્રાય આપે છે અને આ ભાષણોને વડાપ્રધાન પોતે અંતિમ સ્વરૂપ આપે છે.
જવાહરલાલ નહેરુના સમયથી વડાપ્રધાનના ભાષણ તૈયાર કરવામાં પક્ષના ઘટકો, મંત્રાલયો, વિષય નિષ્ણાતો, પીએમની ટીમ જેવી વિવિધ સ્રોતનો ઉપયોગ કરવામાં આવે છે.

ભાષણ લખવા માટે કોઈ ટીમ છે કે નહીં તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જો આવી કોઈ ટીમ હોય તો તેમાં કેટલા મેમ્બર હોય છે, તેમને કેટલુ પેમેન્ટ કરવામાં આવે છે તેવા સવાલો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેનો કોઈ જવાબ નહોતો આપવામાં આવ્યો.