ફાઇલ ફોટો (Photo by Ethan Miller/Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેનની એક મોટી પીછેહટ સમાન ગતિવિધીમાં ઇન્ડિયન અમેરિકન પોલિસી એક્સપર્ટ નીરા ટંડને વ્હાઇટ હાઉસના ટોચના બજેટ અધિકારી તરીકે તેમનું નામ પાછું ખેંચી લીધું છે. ભૂતકાળમાં ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને પક્ષોના સેનેટર્સ વિરુદ્ધ કરેલી 1,000થી વધુ ટ્વીટ ટંડને ભારે પડી હતી. બંને પક્ષોના સંખ્યાબંધ સેનેટર્સે ટંડનના નામની વિરુદ્ધમાં મતદાન કરવાની જાહેરાત કરી હતી

સાંસદોના ભારે વિરોધને પગલે વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB)ના ડિરેક્ટર તરીકે 50 વર્ષીય ટંડનના નોમિનેશન માટે સેનેટની મંજૂરી મેળવવાનું મુશ્કેલ બન્યું હતું. ટંડને ભૂતકાળમાં ટ્વીટર પર પોતાના પક્ષ ડેમોક્રેટિક સહિત સંખ્યાબંધ સેનેટર્સ સામે પોતાનો ઊભરો ઠાલવ્યો હતો.

ટંડન ડાબેરી વિચારધારા ધરાવતા સંગઠન સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસના પ્રેસિડન્ટ છે. જો તેમનું નામ મંજૂર થયું હોત તો તેઓ પ્રેસિડન્ટના સૂચિત બજેટ તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શક્યા હોત.

બાઇડેનને મંગળવારે નામ પાછું ખેંચી લેવાની ટંડનની અરજીનો સ્વીકાર કર્યો હતો અને સંકેત આપ્યો હતો કે ટંડનને બીજો કોઇ હોદ્દો આપીને વહીવટીતંત્રમાં સામેલ કરાશે. બાઇડેને જણાવ્યું હતું કે મને ટંડનની સિદ્ધી, અનુભવ અને સલાહસૂચનો માટે સંપૂર્ણ સન્માન છે અને હું મારા વહીવટીતંત્રમાં તેમને બીજી કોઇ ભૂમિકા આપવા માટે આતુર છું.
બાઇડેનના નોમિનીની આ પ્રથમ હાઇ પ્રોફાઇલ પીછેહટ છે. અત્યાર સુધી 23માંથી 11 કેબિનેટ નોમિનીને સેનેટની મંજૂરી મળી ગઈ છે.

ટંડનને રિપબ્લિકન અને ડેમોક્રેટિકસ સેનેટર્સ વિરુદ્ધ હજારો ટ્વીટ કરી હતી. તેનાથી સેનેટર્સે તેમની વિરુદ્ધ મતદાન કરવાનો જાહેરાત કરી હતી. સેનેટની મંજૂરીની પ્રક્રિયા પહેલા ટંડનને 1,000થી વધુ ટ્વીટ ડિલીટ કરી હોવાનું માનવામાં આવે છે અને ગયા મહિને માફી પણ માગી હતી, પરંતુ તેનાથી સેનેટર્સનો રોષ ઠંડો પડ્યો ન હતો.