અમેરિકાના કેટલાક ડેમોક્રેટિક સાંસદોએ કેપિટોલ હિલ મુદ્દે જાહેર કરેલા રીપોર્ટ મુજબ, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વર્તમાન વર્ષમાં દેશના મિલિટરી ફંડમાંથી બે બિલિયન ડોલરથી વધુની રકમ ઇમિગ્રેશન સંબંધિત કાર્યવાહીને મદદ કરવા માટે આપી હતી, જેના કારણે સેનાની તૈયારી નબળી પડી હતી અને તેના કર્મચારીઓ પર દબાણ વધ્યું હતું.
‘ડ્રેઇનિંગ ડીફેન્સ’ નામના આ રીપોર્ટ મુજબ, ટ્રમ્પના ઇમિગ્રેશનના ગતકડાંના કારણે સેનાની તૈયારી, મનોબળ અને રાષ્ટ્રીય સુરક્ષા પાછળ બિલિયન્સ ડોલરનો ખર્ચ થયો છે. ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ (DoD) દ્વારા ઇમિગ્રેશન સંબંધિત કાર્યવાહી માટે બિલિયન્સ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સાંસદોના જણાવ્યા મુજબ, આ ખર્ચ સેનાની મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષાની કામગીરીથી વધુ છે. રીપોર્ટ અનુસાર ‘ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ (DoD) દ્વારા ઇમિગ્રેશનની કામગીરીમાં મદદ માટે ઓછામાં ઓછા બે બિલિયન ડોલર આપવામાં આવ્યા હતા, હકીકતમાં તો આ ભંડોળ ડીપાર્ટમેન્ટના મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા માટે મળવા જોઈએ. પેન્ટાગોનનું આયોજન આવનારા નાણાકીય વર્ષમાં ‘વધારે બિલિયન્સ ડોલર’ ખર્ચ કરવાનું છે.
રીપોર્ટમાં ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે તહેનાત સૈનિકો અને નેશનલ ગાર્ડ યુનિટ્સની વ્યાપક કામગીરીને નોંધવામાં આવી છે. જેમાં યુએસ-મેક્સિકો બોર્ડર અને લોસ એન્જલસ, શિકાગો, પોર્ટલેન્ડ અને મેમ્ફિસ જેવા અમેરિકન શહેરોમાં તેમની હાજરીનો સમાવેશ થાય છે. સાંસદોના અંદાજ મુજબ, ફક્ત સરહદ પર તહેનાતીનો ખર્ચ અંદાજે 1.3 બિલિયન ડોલર જેટલો છે, જ્યારે દેશમાં તેમની તહેનાતીમાં 258 મિલિયન ડોલરનો વધારાનો ખર્ચ થયો છે.













