ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલું પાકિસ્તાન લોન મેળવવા માટે હાથમાં કટોરો લઇને ફરે છે, પરંતુ ધનિક પાકિસ્તાની નાગરિકો દુબઈમાં 12.5 બિલિયન ડોલરની 17,000થી 22,000 પ્રોપર્ટી ધરાવે છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા લીક થયેલા ડેટામાં આ માહિતી બહાર આવી હતી.
ડોનડોટકોમના અનુસાર લીક થયેલો ડેટા દુબઈમાં હજારો મિલકતોની વિગતવાર માહિતી છે. તેમાં તેમની માલિકી અથવા ઉપયોગ વિશેની પણ માહિતી છે. આ માહિતી વોશિંગ્ટન, ડી.સી. સ્થિત નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સેન્ટર ફોર એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ (C4ADS)એ મેળવી હતી. આ પછી ડેટા નોર્વેજીયન ફાઇનાન્શિયલ ન્યૂઝ આઉટલેટ E24 અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCRP) સાથે શેર કરવામાં આવ્યો હતો. OCRP વિશ્વભરના મીડિયામાં ઇન્વેસ્ટિગેશન પ્રોજેક્ટ્સમાં સંકલન કરે છે.
આ ડેટામાં જણાવાયા અનુસાર 17,000 પાકિસ્તાનીઓ 2022માં દુબઇમાં પ્રોપર્ટી ધરાવતા હતા. ડેટા અને વધારાના સ્ત્રોતોનો ઉપયોગ કરીને શિક્ષણવિદોએ દુબઈમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીના પાકિસ્તાની માલિકોની વાસ્તવિક સંખ્યા 22,000 ગણાવી છે. તેઓ વધુમાં અનુમાન લગાવે છે કે 2022ની શરૂઆતમાં એપાર્ટમેન્ટ્સ અને વિલાની કિંમત 10 બિલિયન ડોલરથી વધુ હોઈ શકે છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં 25 ટકાથી વધુ વધારા સાથે પાકિસ્તાનીઓની રહેણાંક મિલકતોની વાસ્તવિક કિંમત દુબઈ હવે 12.5 બિલિયન ડોલરથી વધુ થઈ શકે છે.
દુબઇમાં પ્રોપર્ટી ખરીદનારાઓની યાદી લાંબી છે, પરંતુ તેમાં દેશના ટોચના નેતાઓ, સેના પ્રમુખો અને અધિકારીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારી, તેમના ભાઈ બખ્તાવર ભુટ્ટો ઝરદારી અને આસિફા ભુટ્ટો ઝરદારી, ગૃહમંત્રી મોહસીન નકવીની પત્ની અશરફ, સિંધના માહિતી પ્રધાન શરજીલ મેમણ, એમએનએ ઈખ્તિયાર બેગ, પીએમએલ-એન પ્રમુખ નવાઝ શરીફના પુત્ર હુસૈન નવાઝ, જનરલ (નિવૃત્ત)નો સમાવેશ થાય છે.