ડેલ્ટા વેરિએન્ટ સગર્ભા સ્ત્રીઓને કોવિડ-19 સામે નોંધપાત્ર રીતે વધુ જોખમમાં મૂકતો હોવાનું સંશોધનમાં જાણવા મળ્યા બાદ એનએચએસ ઇંગ્લેન્ડના ચીફ મિડવાઇફરી ઓફિસર જેકલીન ડંકલી-બેન્ટ દ્વારા સગર્ભા સ્ત્રીઓને કોવિડ-19ની રસી લેવા માટે વિનંતી કરવામાં આવી છે.

જેકલીને જણાવ્યું હતું કે ‘’આ આંકડાઓ એ યાદ અપાવે છે કે રસી તમને, તમારા બાળકને અને તમારા પ્રિયજનોને સુરક્ષિત અને હોસ્પિટલની બહાર રાખી શકે છે. આપણે બધાએ આગળ આવવાની અને રસી મેળવવાની જરૂર છે, તેથી જ હું સગર્ભા સ્ત્રીઓને પોતાની સુરક્ષા માટે પગલુ લેવા હાકલ કરું છું”.

MedRXiv સાઇટ પર ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરાયેલા ડેટામાં દર્શાવાયું છે કે, કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલી કોઈ પણ સગર્ભા સ્ત્રીને ડબલ લેક્સીન લીધી નહોતી અને માત્ર 0.5 ટકા મહિલાઓએ રસીની પ્રથમ માત્રા લીધી હતી.

ધ જોઇન્ટ કમિટિ ઓન વેક્સીન એન્ડ ઇમ્યુનાઇઝેશન (JCVI)એ એપ્રિલમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં રસીના વ્યાપક ઉપયોગ બાદ રસીની સલામતીના પુરાવાને આધારે ગર્ભવતી મહિલાઓને ફાઇઝર અથવા મોર્ડેના રસીઓ આપવી જોઇએ. સગર્ભા સ્ત્રીઓને તેમની ચિકિત્સક સાથેના જોખમો અને લાભો અંગે ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરવી જોઇએ.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સગર્ભા સ્ત્રીઓ દ્વારા રસીનો ઉપયોગ ઓછો થાય છે. યુકેમાં 55,000થી વધુ સગર્ભા સ્ત્રીઓને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે, લગભગ 700,000 સ્ત્રીઓ દર વર્ષે જન્મ આપે છે.