ગત વર્ષે 3 જુલાઈ 2020ના રોજ સાંજે 5 કલાકે લંડનના ટાવર હેમ્લેટ્સના બૉ ખાતે 72 વર્ષના રાહદારી પીટર મેક’કોમ્બીનું સાયકલની ટક્કર મારીને મોત નિપજાવનાર ઇસ્ટ લંડનના વૉલ્ધામ ફોરેસ્ટ ખાતે રહેતા 23 વર્ષના સાયકલ સવારને બે વર્ષની જેલ કરાઇ હતી. પીટરનું આઠ દિવસની સારવાર બાદ માથામાં થયેલી ગંભીર ઇજાના કારણે મરણ થયું હતું.

સાયકલ સવાર એર્મિર લોકા, 15 જુલાઇના રોજ લંડનની સ્નેર્સબ્રુક ક્રાઉન કોર્ટમાં હાજર થયો હતો. જ્યાં તેને બેદરકારી દાખવી પીટરને અડફેટમાં લઇ શારીરિક નુકસાન પહોંચાડવા બદલ દોષીત ઠેરવવામાં આવ્યો હતો. 26 જુલાઇને સોમવારે તે જ અદાલતમાં તેને મહત્તમ બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. લોકા મેનસ્લૉટર માટે દોષીત સાબિત થયો ન હતો.

હેકનીમાં જન્મેલા પીટર હ્યુમન રિસોર્સ એડમિનિસ્ટ્રેટર તરીકેની નોકરી પરથી ઘરે ચાલતા જતા હતા ત્યારે બૉ રોડ ઓળંગતી વખતે અકસ્માત થયો હતો. તેઓ રાહદારી માટેની લીલી લાઇટની રાહ જોતા અટક્યા હતા અને લીલી લાઇટ થતાં તેમણે રોડ ઓળંગ્યો હતો. પરંતુ સાયકલીસ્ટ લોકાએ રેડ લાઇટ જમ્પ કરી પીટરને અડફેટે લઇ લીધા હતા. અકસ્માત બાદ તે સાયકલ સાથે ભાગી છૂટ્યો હતો.

અલ્બેનિયન નાગરિક, લોકા, દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો.