Close-up of a woman baking pastry in microwave oven.

બ્રિટન જ નહિં દુનિયાભરના નાગરિકો પોતાની કાર્બન ફૂટપ્રિન્ટને જ નહિં પણ દિવાલ પર લાગેલા સોકેટ પરની સ્વીચ બંધ કરીને ટીવી, કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે ગેજેટ્સ દ્વારા વાપરવામાં આવતી £500 સુધીની રકમ એક વર્ષમાં બચાવી શકે છે એમ મની.કો.યુકે વેબસાઇટના એનર્જી નિષ્ણાતોએ જણાવ્યું છે.

આપણામાંથી લાખો લોકો ઘરનાં વિવિધ ઉપકરણો અને ગેજેટ્સને વાપરતા ન હોવા છતાય ચોવીસે કલાક તેને ચાલુ રાખીને વીજળી અને નાણાંનો વ્યય કરી રહ્યા છે.

મની.કો.યુકેના એનર્જી નિષ્ણાત બેન ગેલિઝીએ જણાવ્યું હતું કે “મોટાભાગના લોકોને ખ્યાલ હોતો નથી કે તેમના ઉપકરણો અને ગેજેટ્સ ચાલુ ન હોય ત્યારે પણ તેઓ એનર્જીનો ઉપયોગ કરે છે. ટીવી, કમ્પ્યુટર અને સ્માર્ટ સ્પીકર્સ જેવી વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવતી ન હોય ત્યારે પણ આશ્ચર્યજનક વીજળીનો ઉપયોગ કરે છે. તમે કોમ્પ્યટરને શટડાઉન કરો પરંતુ દિવાલ પરના સોકેટની સ્વીચ બંધ ન કરો કે પછી ફોનનું ચાર્જર કે પ્રિન્ટરની દિવાલ પરની સ્વીચ બંધ ન કરો તો તે વીજળીનો સતત વપરાશ કરતા રહે છે. આમ વસ્તુ વાપર્યા વગર થતો ખર્ચ રોકવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે જે તે ગેજેટ્સની દિવાલ પર લાગેલી સ્વીચ બંધ કરવી.

ટીવી રીમોટથી બંધ કર્યા બાદ પણ ટીવીમાં કરંટ ચાલુ રહે છે. ફ્લેટ સ્ક્રીન વિશાળ ટીવીની વોલ પર લાગેલ સ્વીચ બંધ કરો તો દર વર્ષે લગભગ £50 પાવર બચી શકે છે. આજ રીતે રોગચાળા દરમિયાન લોકોએ ઘરેથી કામ કરતી વખતે લેપટોપ કમ્પ્યુટર / પીસી વાપર્યા હતા. મોટાભાગના લોકો તેને શટડાઉન કરીને નિશ્ચિંત થઇ જતા હતા. પરંતુ એમ કરવાથી રોજના

લગભગ 15 પેન્સ લેખે એક વર્ષમાં £50થી વધુનું નુકશાન થાય છે.

લાખો લોકોના રસોડામાં મુકેલા માઇક્રોવેવનો ઇલેક્ટ્રીક કરંટ સતત ચાલુ હોય છે. તેને સ્ટેન્ડબાય રાખવાના બદલે કરંટ બંધ કરી દેવાય તો એક વર્ષમાં આશરે £6ની બચત થઈ શકે છે. આવુ જ ફોન કે ટેબ્લેટના ચાર્જર્સનું છે. લોકો ચાર્જર્સને દિવાલ પર પ્લગ કરેલું રાખે છે. ફોન ચાર્જ ન થતો હોવા છતાંય તે વીજળી વાપરે છે. રાતભર ફોન ચાર્જ કરવો એ તો વીજળી બગાડવાનું મોટું કારણ બને છે. આ બગાડ રોકવાથી વર્ષે લગભગ £30ની બચત થઈ શકે છે.

સ્માર્ટ સ્પીકર્સથી વધુને વધુ ઘરો કનેક્ટ થઇ રહ્યા છે અને તે ચોવીસેય કલાક ચાલુ રહે છે. તેને વપરાશ ન હોય ત્યારે જો બંધ કરવામાં આવે તો વર્ષે લગભગ £35ની બચત કરી શકીએ છીએ. ગેમ્સ કન્સોલને રમતા ન હોય ત્યારે પડી રહેવા દેવાના કારણે અંદાજ વર્ષે £200નું નુકશાન થાય છે. આજ રીતે સેટ-ટોપ બૉક્સીસ, ઇન્ટરનેટ રાઉટર્સ, ડીશવૉશર્સ, ટોસ્ટર, કેટલ્સ, કોફી મશીનો વગેરે વપરાતા ન હોય ત્યારે પણ દરેક મશીન દર વર્ષે આશરે  £10ની વીજળી વાપરે છે.

મોટા ઉપકરણો જેવા કે વૉશિંગ મશીન, ટમ્બલ ડ્રાયર્સ અને ફ્રિજ-ફ્રીઝર્સ સૌથી વધુ વીજળી વાપરે છે. આવા સાધનો A*** રેટીંગના લેવામાં આવે તો વીજળીનો વ્યય ઓછો થાય છે.  અમુક વીજળી કંપનીઓ ઓફ પીક પીરીયડ એટલે કે રાતના 11થી સવારના 6 સુધીમાં વપરાયેલી વીજળી પર ઓછો દર લેતી હોય છે. તમે કપડા ધોવા કે સુકવવા માટે તે સમય પસંદ કરી વીજળી બચાવી શકો છો. આજ રીતે તમારા અનર્જી સપ્લાયરને બદલવાથી પણ 50-60 પાઉન્ડની પ્રતિવર્ષ બચત કરી શકો છો. રસોડાના ઉપકરણોનો કાળજીપૂર્વક વપરાશ કરવાથી બીલમાં એક વર્ષમાં £130 સુધીની બચત શક્ય છે. આમ તમે બધુ મળીને વર્ષે કુલ £500 સુધીની બચત થઇ શકે છે.