ટ્રમ્પ
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાની ફેડરલ અપીલ કોર્ટે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર લાદેલી મોટાભાગની રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ગણાવી તેને રદ કરી દીધી હતી. વોશિંગ્ટનની ફેડરલ સર્કિટ માટેની યુ.એસ. કોર્ટ ઓફ અપીલ્સે 7-4ની બહુમતી આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પ પાસે આર્થિક ઇમર્જન્સી ધારા હેઠળ આવી ટેરિફ લાદવાની કોઇ સત્તા જ નથી.

જોકે ટ્રમ્પ સરકાર આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે તે માટે તે અપીલ કોર્ટે તેના ચુકાદાના અમલને 14 ઓક્ટોબર સુધી મોકૂફ રાખ્યો હતો. પ્રેસિડન્ટ ટ્રમ્પે પણ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી હતી. જો સુપ્રીમ કોર્ટ પણ નીચલી કોર્ટના આદેશને માન્ય રાખશે તો ભારત સહિતના દેશોને ટેરિફમાં મોટી રાહત મળશે.

ટ્રમ્પે એપ્રિલમાં તેમના ટ્રેડવોરના ભાગરૂપે લાદેલી રેસિપ્રોકલ ટેરિફ કાયદેસર છે કે નહીં તે કાનૂની મુદ્દાની વિચારણા કરી હતી. કોર્ટે ચીન, કેનેડા અને મેક્સિકો સામે ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલી ટેરિફની કાયદેસરતાની પણ વિચારણા કરી હતી. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે નેશનલ ઇમર્જન્સીના કિસ્સામાં પ્રેસિડન્ટને કાયદા હેઠળ સંખ્યાબંધ પગલાં લેવાની સત્તા આપે છે, પરંતું તેમાં સ્પષ્ટપણે ટેરિફ, ડ્યુટી અથવા તેના જેવી વસ્તુઓ લાદવાની સત્તા અથવા ટેક્સ લગાવવાની સત્તાનો સમાવેશ થતો નથી. જોકે ટ્રમ્પે અલગ ધારા હેઠળ લાદેલી સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફ યથાવત રહેશે.

1977ના ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)ના ઉપયોગ હેઠળ ટ્રમ્પે લાદેલી રેસિપ્રોકલ ટેરિફ અંગે ટીપ્પણી કરતાં કોર્ટે જણાવ્યું હતું કે આ ધારો ટ્રમ્પને ટેરિફ લાદવાની અમર્યાદિત સત્તા આપતું નથી.

કોર્ટ ચુકાદાને અત્યંત પક્ષપાતી ગણાવીને ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તમામ ટેરિફ હજુ પણ અમલમાં છે. જો અપીલ કોર્ટનો ચુકાદો અમલી બનશે તો અમેરિકા લગભગ બરબાદ થઈ જશે. હવે સુપ્રીમ કોર્ટની મદદથી, અમે ટેરિફનો ઉપયોગ આપણા રાષ્ટ્રના લાભ માટે કરીશું. અગાઉ મે મહિનામાં ન્યૂયોર્કમાં યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે પણ ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપતા જણાવ્યું હતું કે અમેરિકન પ્રેસિડેન્ટે તેમની સત્તાને ઉપરવટ જઈને ટેરિફ લાદી છે. ટ્રમ્પેને આર્થિક ઇમર્જન્સી ધારા હેઠળ ટેરિફ લાદવાની સત્તા નથી.

 

LEAVE A REPLY