(ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 73 વર્ષના થયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અન્ય મહાનુભાવો અને રાજકારણીઓએ તેમને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. ભાજપ આજથી 2 ઓક્ટોબર સુધી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી “સેવા સપ્તાહ”ની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ મારફત ભાજપ વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચડીને મોદીના જન્મદિનની ઉજવણી કરશે.

જન્મદિનની શુભકામનાઓ આપતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે પીએમ મોદી તેમના દૂરંદેશી અને મજબૂત નેતૃત્વથી ‘અમૃત કાલ’ દરમિયાન દરેક ક્ષેત્રમાં ભારતના વિકાસનો માર્ગ મોકળો કરે. વડાપ્રધાન મોદીને નવા ભારતના શિલ્પી ગણાવીને ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું  કે તેમણે દેશના પ્રાચીન વારસાના આધારે ભવ્ય અને આત્મનિર્ભર ભારતનો મજબૂત પાયો નાખ્યો છે.

તેમને શુભેચ્છા પાઠવતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાને ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક પ્રતિષ્ઠા, લોકોના બહુ-આયામી વિકાસ અને દેશની સાર્વત્રિક પ્રગતિને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે મોદીએ ભારતને માત્ર નવી ઓળખ જ આપી નથી, પરંતુ વિશ્વમાં તેની પ્રતિષ્ઠા પણ વધારી છે.

વડાપ્રધાન પોતે તેમના જન્મદિવસ પર અનેક વિકાસ પહેલ લોન્ચ કરશે. રવિવારે ‘વિશ્વકર્મા જયંતિ’ પણ હોવાથી વડાપ્રધાન મોદી તેમની સરકારની મહત્વાકાંક્ષી યોજના “PM વિશ્વકર્મા” યોજના લોન્ચ કરશે, જેનો ઉદ્દેશ્ય કારીગરો અને પરંપરાગત કૌશલ્યો સાથે સંકળાયેલા લોકોને મદદ કરવાનો છે.  તેઓ દિલ્હીના દ્વારકામાં યશોભૂમિ નામના ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)ના પ્રથમ તબક્કાનું અને દ્વારકા સેક્ટર 21થી દ્વારકા સેક્ટર 25 ખાતે નવા મેટ્રો સ્ટેશન સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઇનના વિસ્તરણનું પણ ઉદ્ઘાટન કરવાના છે.

 

LEAVE A REPLY