પ્રિન્સ ચાર્લ્સ કોવિડ-19નો ફરીથી ચેપ લાગ્યો હોવાનું ગુરુવાર તા. 10ના રોજ જાહેર કરવામાં આવ્યા બાદ તા. 14 ફેબ્રુઆરીના રોજ સોમવારે તેમના પત્ની ડચેસ ઓફ કોર્નવોલ કમિલા પણ પોઝીટીવ જાહેર થયા હતા.

ક્લેરેન્સ હાઉસે જણાવ્યું હતું કે, “આજે સવારે પ્રિન્સ ઓફ વેલ્સે કોવિડ -19 માટે પોઝાટીવ ટેસ્ટીંગ કર્યું છે અને હવે તેઓ સેલ્ફ આઇસોલેટ થઈ રહ્યા છે. તેમણે દિવસના બાકીના એંગેજમેન્ટ રદ કર્યા હતા.’’ તેમની સ્થિતિ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી.

73 વર્ષના ચાર્લ્સને અગાઉ માર્ચ 2020માં પણ ચેપ લાગ્યો હતો. તેમને અને તેમની પત્ની કેમિલાને કોવિડ રસીના બૂસ્ટર શોટ્સ પણ મળ્યા છે.

તા. 9ના રોજ બ્રિટિશ એશિયન ટ્રસ્ટના રિસેપ્શનમાં તેઓ મહેમાનો ઋષિ સુનક, પ્રીતિ પટેલ અને અન્ય ઘણાં એશિયન્સ અગ્રણીઓને મળ્યા હતા.

74 વર્ષના ડચેસ ઓફ કોર્નવોલ પણ સેલ્ફ આઇસોલેટ થયા હોવાની ક્લેરેન્સ હાઉસે પુષ્ટિ કરી છે.

પ્રિન્સ ચાર્લ્સ પોઝીટીવ ટેસ્ટના બે દિવસ પહેલા રાણીને મળ્યા હતા. જો કે ગયા અઠવાડિયે બકિંગહામ પેલેસે કહ્યું હતું કે રાણીમાં કોઈ કોવિડ લક્ષણો નથી અને સોમવારે પણ કહ્યું હતું કે તેમાં ઉમેરવા માટે કંઈ નથી.

કેમિલાને 10 દિવસ માટે સેલ્ફ આઇસોલેટ થવું પડશે, પરંતુ જો તે પાંચમા અને છઠ્ઠા દિવસે નેગેટીવ ટેસ્ટ કરે તો તેને વહેલી તકે આઇસલેશન સમાપ્ત કરવાની મંજૂરી મળશે.