પ્રિન્સેસ ડાયનાએ તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સ સાથેની સગાઇના થોડા સમય પછી નાના-નાના ઘેટા અંકિત કરેલું લાલ રંગનું એક સ્વેટર પહેર્યું હતું, તે તાજેતરમાં એક હરાજીમાં 1.1 મિલિયન ડોલરમાં વેચાયું હોવાનું જાહેરાત સોથબી ઓક્શન હાઉસ દ્વારા કરવામાં આવી હતી.

રાજવી પરિવારમાં સામેલ થનારી 19 વર્ષીય એક શરમાળ યુવતીએ થોડા ઠંડા દિવસો દરમિયાન આયોજિત જૂન 1981ની પોલો મેચમાં સ્વેટર પહેર્યા હતા, જેમાં સફેદ ઘેટાઓની વચ્ચે ઘેરાયેલા એક કાળા ઘેટાની ડિઝાઇનવાળા સ્વેટરનો સમાવેશ થાય છે. કાળા ઘેટાની ડિઝાઇન ધરાવતું ડાયનાનું આ સ્વેટર ખૂબ જ જાણીતું બની ગયું હતું, જે બ્રિટિશ રાજવી પરિવારના સભ્ય તરીકે તેમના સમસ્યાસભર જીવનની આગાહી કરે છે. ઈન્ટરનેટ પર બિડરો દ્વારા ઉગ્ર રસાકસી સર્જાયા પછી આ સ્વેટર 1.1 મિલિયન ડોલરમાં વેચાયું હતું, જેમાં ફી અને કમિશનનો સમાવેશ થાય છે.

સોથબી દ્વારા શરૂઆતમાં 50 હજારથી 80 હજાર ડોલરની વચ્ચે આ સ્વેટરના વેચાણનો અંદાજ મુકવામાં આવ્યો, પરંતુ તેના કરતા તે દસ ગણી વધુ કિંમતે તેનું વેચાણ થયું હતું. આ સ્વેટરના ખરીદનારાઓનો ધસારો વધતા સોથબી દ્વારા તેની વેચાણની સમય મર્યાદાને થોડી મિનિટ સુધી લંબાવવામાં આવી હતી, અને છેલ્લી 15 મિનિટમાં તેની કિંમત 190,000 ડોલરથી 1.1 મિલિયન ડોલર સુધી વધી ગઇ હતી.

સોથબીના જણાવ્યા મુજબ, પ્રિન્સેસ ડાયનાના કપડા માટે હરાજીમાં ચૂકવાયેલી આ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે, જે જાન્યુઆરીમાં 604,000માં વેચાયેલ તેના અનોખા ગાઉનની કિંમત કરતા પણ વધુ હતી, આ ઉપરાંત તે હરાજીમાં વેચાણ થયેલ સૌથી કિંમતી સ્વેટર હતું.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments