Prof Amit Patel (Picture Courtesy Imperial College London)

માન્ચેસ્ટરની વીધનશો હોસ્પિટલના ડોકટરોએ એક દુર્લભ સ્થિતિની સારવારમાં નિષ્ફળતા દાખવતા પ્રોફેસર અમિત પટેલનું 43 વર્ષની વયે સારવાર દરમિયાન મરણ થયું હોવાની તેમની વિધવા પત્ની ડૉ. શિવાની તન્નાએ ઇન્કવેસ્ટમાં માહિતી આપી હતી.

ડૉ. શિવાની તન્નાએ માન્ચેસ્ટર કોરોનર કોર્ટમાં જણાવ્યું હતું કે ‘’બે બાળકોના પિતા પ્રોફેસર અમિત પટેલ તેમની પેઢીના સૌથી તેજસ્વી ડોકટરોમાંના એક હતા અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનના પ્રણેતા હતા. પરંતુ ઓગસ્ટ 2021માં અમિતને ગળાના ચેપ તથા ફ્લૂ જેવા લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એન્ટિબાયોટિક્સ આપવા છતાં તેમની સ્થિતિ સુધરી નહતી. ડોકટરોએ કામચલાઉ નિદાન કર્યું હતું કે તેમની હાલત સ્ટિલ્સ ડીસીઝ – HLH નામના સંભવિત જીવલેણ રોગપ્રતિકારક વિકારનું કારણ બની રહી છે.

ડૉ. તન્નાએ કહ્યું હતું કે ‘’અમારા માટે એ સમજવું ‘ભયાનક’ હતું કે ત્યાંના ડૉક્ટરો HLHને ‘સમજતા’ નથી, જેના માટે અમિત રાષ્ટ્રીય પેનલ પર હતા. પ્રો. પટેલે જાતે પોતાની સારવાર કેવી રીતે કરવી તે અંગે ડોકટરોને સલાહ આપી હતી અને નર્સોને તેમના બ્લડ ટેસ્ટ બતાવવા કહેવું પડ્યું હતું. પ્રો. પટેલ માનતા હતા કે તેમને ઇમ્યુનોસપ્રેસન્ટ્સ સાથે તાત્કાલિક સારવાર કરવાની જરૂર છે. પણ તેના બદલે તેમને સ્ટેરોઇડ્સથી સારવાર કરાઇ હતી. તેમને ICUમાં ખસેડ્યા બાદ કન્સલ્ટન્ટ દ્વારા સારવાર અંગેની સલાહ આપવા બદલ ‘ગુસ્સો’ વ્યક્ત કરી અમારી હાંસી ઉડાવાઇ હતી. જો અમિત ડૉક્ટર ન હોત તો તે દાખલ થયાના થોડા દિવસોમાં જ મરી ગયા હોત. પ્રો. પટેલના ફેફસાની બાયોપ્સી કરાવાઇ હતી. પછીથી તેમને ઉધરસ ખાતી વખતે લોહી નીકળ્યું હતું. જેમાં ડોકટરોએ તેમને સૂઈ જવા કહ્યું હતું.’’

ડૉ. શિવાનીએ કહ્યું હતું કે ‘’તેમના પતિએ ડોકટર્સને કહ્યું હતું કે ‘જો તમે આમ કરશો, તો તમે મારા ફેફસાંમાંથી ક્યારેય લોહી કાઢી શકશો નહિં અને તે ગંઠાઈ જશે. પણ ડોકટરોએ કહ્યું હતું કે તેમને ‘કંટ્રોલ પાછો લેવા’ની જરૂર છે અને તેમને એક ઇન્જેક્શન આપ્યું હતું અને તેઓ સુઇ ગયા હતા. ફેફસામાં લોહી ભરાઈ જવા સાથે તેઓ શબ જેવા દેખાતા હતા અને જાણે કે ઠંડીમાં થીજી ગયા હતા. તેમના લોહીને ઓક્સિજન આપવા માટે નિષ્ણાત ECMO મશીન પર ઘેનની દવા હેઠળ મૂકવામાં આવ્યા હતા અને 28મી ઓક્ટોબરે તેમનું દુઃખદ અવસાન થયું હતું.’’

ડૉ. શિવાનીએ કહ્યું હતું કે ‘’તેઓ એક ડૉક્ટર તરીકે અસાધારણ રીતે તેજસ્વી અને કદાચ યુકેના સૌથી વધુ જાણકાર અને શ્રેષ્ઠ ડોકટરોમાંના એક હતા. હું તેમને લંડનની ટોચની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા માંગતી હતી. પરંતુ પરિવારને વિક્ષેપ પડશે તેમ માની તેઓ લંડન જવા માંગતા ન હતા કારણ કે તેઓ હમણાં જ ચેશાયરમાં સ્થળાંતરિત થયા હતા. જો હું તેમને લંડન ખસેડવામાં સક્ષમ હોત, તો તેઓ આજે અહીં હોત.’’

હોસ્પિટલનું પ્રતિનિધિત્વ કરતા પૌલ સ્પેન્સરે જણાવ્યું હતું કે તેમની પાસે ડૉ. તન્ના માટે કોઈ પ્રશ્ન નથી પરંતુ ઉમેર્યું હતું કે ‘એવી બાબતો છે જેની સાથે અમે અસંમત છીએ’.

પ્રોફેસર પટેલની સારવાર કરનારા હેમેટોલોજિસ્ટ ડૉ. સિમોન વોટ્સે સુનાવણીમાં જણાવ્યું કે તેમણે HLH વિશે સાંભળ્યું હતું પણ તેમણે અગાઉ ક્યારેય કોઈની આ સ્થિતિની સારવાર કરી ન હતી.

સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટના પ્રણેતા, પ્રોફેસર પટેલે લિવરપૂલ અને માન્ચેસ્ટરની હોસ્પિટલોમાં કેન્સરથી પીડાતા દર્દોના બચવાના દરમાં વધારો કર્યો હતો અને તે પહેલા લંડનમાં હેમેટોલોજિસ્ટ તરીકે તાલીમ લીધી હતી. ઈમ્પીરીયલ કોલેજ લંડનના વરિષ્ઠ ડોકટરોએ તેમને ‘બૌદ્ધિક રીતે હિંમતવાન ચિકિત્સક, સંશોધક અને શિક્ષક’ તરીકે વખાણ્યા હતા.

સુનાવણી ચાલુ છે.

LEAVE A REPLY

17 + 11 =