TOPSHOT - Members of the Royal Family follow the gun carriage bearing the coffin of Queen Elizabeth, the Queen Mother, during the procession from Westminster Hall to Westminster Abbey in London 09 April 2002. The funeral is the culmination of more than a week of mourning for the royal matriarch, who died March 30 at the age of 101. AFP PHOTO FRANCOIS GUILLOT (Photo by FRANCOIS GUILLOT / AFP) (Photo by FRANCOIS GUILLOT/AFP via Getty Images)

બ્રિટન પર સૌથી વધુ સમય સુધી રાજ કરનાર મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતિયની ઐતિહાસીક અને ભવ્યાતિભવ્ય અંતિમવિધિ સોમવાર તા. 19ના રોજ સમી સાંજે સંપન્ન થઇ હતી. તેમની “આજીવન ફરજની ભાવના”ને લંડનના વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યાદ કરવામાં આવી હતી. વિશ્વભરના ટોચના કાજકીય નેતાઓ અને રાજવીઓ સહિત બે હજાર લોકોએ શાહી સ્ટેટ ફ્યુનરલમાં હાજરી આપી હતી. હજ્જારો લોકોના ટોળાએ મહારાણીના કોફિનની દર્શન માટે અને મહારાણીને આખરી વિદાય આપવા તેમની અંતિમયાત્રાના માર્ગો પર લાંબી લાઇનો લગાવી હતી. તો કેટલેક સ્થળે મહારાણીનું કોફિન જે માર્ગો પરથી પસાર થયું હતું તેના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.

સ્થાનિક સમય પ્રમાણે સવારે 11 વાગ્યે કિંગ ચાર્લ્સ III એ લંડનના વેસ્ટમિન્સ્ટર હોલથી વેસ્ટમિન્સ્ટર એબી સુધીના માર્ગ પર માતાના કોફિનને લઇ જતી યાત્રાનું નેતૃત્વ કર્યું હતું. મહારાણીનું કોફિન ઐતિહાસિક 11મી સદીના એબીમાં પ્રવેશતાં જ સ્ટેટ ફ્યુનરલની શરૂઆત થઈ હતી. સ્વર્ગસ્થ રાણીના સાર્વભૌમના જીવનના દરેક વર્ષને ચિહ્નિત કરવા લંડનના પ્રતિષ્ઠિત સીમાચિહ્ન સમાન અને રાણીના નામ પરથી રાખવામાં આવેલ (બિગ બેન) એલિઝાબેથ ટાવરમાં દર મિનિટે 96 વખત ધંટ વગાડવામાં આવ્યો હતો અને અને સ્તોત્રો ગૂંજવા લાગ્યા હતા.

મહારાણીના કોફિનને રોયલ સ્ટાન્ડર્ડ દ્વારા લપેટવામાં આવ્યું હતું અને તેના પર હીરાજડેલ ઇમ્પીરીયલ સ્ટેટ ક્રાઉન અને ઓર્બથી બનેલો રાજદંડ રાખવામાં આવ્યો હતો, જે રાજ દંડ 1953માં એબીમાં તેમના રાજ્યાભિષેક વખતે રાણીને ભેટમાં આપવામાં આવ્યો હતો. આજ સ્થળે રાણી એલિઝાબેથના લગ્ન થયા હતા અને તેમને તાજ પહેરાવવામાં આવ્યો હતો.

વેસ્ટમિન્સ્ટર એબીના ડીન, વેરી રેવરન્ડ ડેવિડ હોયલે, “મહારાણી અને કોમનવેલ્થના વડા તરીકે આટલા વર્ષોની નિરંતર પ્રતિબદ્ધતા” વિશે વાત કરીને વેસ્ટમિન્સ્ટરના એબી ખાતે સવારની સર્વિસની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે “મહારાણીની પ્રશંસા કરવા સાથે અમે તેણીના જીવનભરની ફરજો અને તેના લોકો પ્રત્યેના સમર્પણને યાદ કરીએ છીએ. અહીં અમે સમગ્ર રાષ્ટ્રમાંથી, કોમનવેલ્થ અને વિશ્વના દેશોમાંથી, અમારી ખોટ માટે શોક વ્યક્ત કરવા, તેમની નિઃસ્વાર્થ સેવાના લાંબા આયુષ્યને યાદ કરવા અને ખાતરીપૂર્વકની પ્રતિબદ્ધતા માટે એકઠા છીએ. થેંક્સગિવીંગ સાથે અમે ખ્રિસ્તી ફેઇથ અને ભક્તિના તેના સતત ઉદાહરણ માટે ભગવાનની પ્રશંસા કરીએ છીએ. સ્નેહ સાથે અમે તેના પરિવાર પ્રત્યેના તેના પ્રેમને અને તેણીને જે કારણોથી વહાલા હતા તે પ્રત્યેની તેણીની પ્રતિબદ્ધતાને યાદ કરીએ છીએ.”

કોમનવેલ્થ સેક્રેટરી-જનરલ બેરોનેસ પેટ્રિશિયા સ્કોટલેન્ડ અને બ્રિટિશ વડા પ્રધાન લિઝ ટ્રસ દ્વારા બાઇબલમાંથી પાઠ વાંચવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વર્ગસ્થ ડ્યુક ઓફ એડિનબરા સાથે મહારાણીના લગ્ન આ સ્થળે થયા તે વખતે ગવાયેલું ગીત ‘ધ લોર્ડ્સ માય શેફર્ડ’ કોંગ્રેગેશન દ્વારા ગવાયું હતું.

કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ તેમના ઉપદેશમાં જણાવ્યું હતું કે, ‘’અમે જોયેલા પ્રેમનો વરસાદ બહુ ઓછા નેતાઓને મળે છે. આ દુઃખ માત્ર સ્વર્ગસ્થ રાણીના પરિવાર દ્વારા જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર, કોમનવેલ્થ અને વિશ્વભરમાં અનુભવાયું છે. જે તેમના વિપુલ જીવન અને પ્રેમાળ સેવાથી ઉદ્ભવે છે, જે હવે આપણાથી દૂર થઈ ગયા છે. તેઓ આનંદી હતા, ઘણા બધા લોકો માટે હાજર હતા અને ઘણા બધાના જીવનને સ્પર્શતા હતા.’’

આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ ગાયક ડેમ વેરા લિનને ટાંકીને તેમના ગીત “વી વીલ મીટ અગેઇન”નો ઉલ્લેખ કર્યો હતો. આજ શબ્દોનો ઉપયોગ કોવિડ રોગચાળાની શરૂઆતમાં રાષ્ટ્રને કરાયેલા સંબોધનમાં રાણી દ્વારા કરાયો હતો.

સમગ્ર રાષ્ટ્ર દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યા બાદ એબી ખાતે ડ્યુક ઓફ એડિનબરાના ફ્યુનરલ વખતે રજૂ કરાયું હતું તે જ ગીત ‘લાસ્ટ પોસ્ટ’ તે જ સંગીતકારો દ્વારા રજૂ કરાયું હતું. તે પછી એક પાઇપર દ્વારા પરંપરાગત વિલાપની ધૂન છેડાઇ હતી અને કિંગ ચાર્લ્સ ચૂપચાપ ઊભા રહ્યા હતાં અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.

માતાને અંજલિ આપતા અંગત સ્પર્શમાં કિંગ ચાર્લ્સે લખેલો એક હસ્તલિખિત સંદેશ કોફિનની ઉપર બકિંગહામ પેલેસ, હાઈગ્રોવ હાઉસ અને ક્લેરેન્સ હાઉસના બગીચાઓમાંથી પસંદ કરાયેલા ફૂલોની માળા સાથે મૂકવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું કે “પ્રેમાળ અને સમર્પિત સ્મૃતિમાં. ચાર્લ્સ આર.”

લંડનના વેસ્ટમિંસ્ટર હોલથી મહારાણીના કોફિનને લઇને વેસ્ટમિન્સ્ટર એબી જવા નીકળેલી અંતિમ યાત્રાની આગેવાની કિંગ ચાર્લ્સ, તેમના ભાઈ-બહેનો, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્રુ અને પ્રિન્સ એડવર્ડે સાથે ચાલીને લીધી હતી. પ્રિન્સ ઑફ વેલ્સ પ્રિન્સ વિલીયમ અને ડ્યુક ઑફ સસેક્સ પ્રિન્સ હેરી તેમના પિતા કિંગ ચાર્લ્સની પાછળ બાજુ-બાજુમાં ચાલતા દેખાયા હતા. જ્યારે પ્રિન્સ વિલિયમના સૌથી મોટા બે બાળકો – પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટ યાત્રાની પાછળ એબીમાં પ્રવેશ્યા હતા.

વેસ્ટ મિન્સ્ટર એબી ખાતે વિધિ પૂરી થયા બાદ કોફિનને ગન કેરેજ પર રાખી શાહી અંતિમ સંસ્કાર માટે વપરાતા સેન્ટ્રલ લંડનના વેલિંગ્ટન આર્ક તરફ લઇ જવાયું હતું. કોફિનને હાઇડ પાર્ક કોર્નર તરફ લઇ જવાતું હતું ત્યારે દર મિનિટે બંદૂકમાંથી ગોળીઓ છોડીને સલામી આપવામાં આવી હતી. રાણીએ ટ્રૂપીંગ ધ કલર્સના સમારોહના સ્કોર્સની અધ્યક્ષતા કરી હતી તે હોર્સ ગાર્ડ્સ પરેડમાંથી શોભાયાત્રા પસાર થઈ હતી ત્યારે મોલ ખાતે લોકોએ ઉત્સાહ અને તાળીઓના ગડગડાટ સાથે આવકારી હતી. રાણીની શબપેટી છેલ્લી વખત બકિંગહામ પેલેસમાંથી પસાર થઈ ત્યારે સ્ટાફ અંતિમ ગુડબાય કહેવા માટે બહાર ઊભો રહ્યો હતો. રાણીના બાળકો, તેમજ પ્રિન્સ વિલિયમ અને હેરી, સેન્ટ જ્યોર્જ ચેપલમાં અંતિમ શોભાયાત્રામાં હર્સની પાછળ ચાલ્યા હતા.

રાણીનું કોફિન લંડનથી વિન્ડસર લઇ જવાતું હતું ત્યારે વિશાળ ભીડ દ્વારા માર્ગ પર લાઇન લગાવી માર્ગમાં ફૂલોની વર્ષા કરાઇ હતી. વિન્ડસર કાસલમાં સેન્ટ જ્યોર્જ ચેપલ ખાતે લગભગ 800 મહેમાનોની હાજરી ધરાવતા અંતિમ સમારોહ માટે સ્વર્ગસ્થ મહારાણીના અંતિમ વિશ્રામ સ્થાનની યાત્રાના છેલ્લા તબક્કે કોફિનને બહાર કાઢવામાં આવ્યું ત્યારે યુ.કે.નું રાષ્ટ્રગીત, ‘ગોડ સેવ ધ કિંગ’ ગૂંજી ઉઠ્યું હતું. જ્યાં કેન્ટરબરીના આર્ચબિશપના આશીર્વાદ સાથે વિન્ડસરના ડીન ડેવિડ કોનર દ્વારા કમિટલ સર્વિસ કરવામાં આવી હતી. વિન્ડસરના ડીને કહ્યું હતું કે “અમે તેમની સેવક રાણી એલિઝાબેથના આત્માને ભગવાનના હાથમાં સોંપવા માટે એકસાથે આવ્યા છીએ.’’  તે સર્વિસ દરમિયાન કોફિન પરથી ક્રાઉન જ્વેલ્સ લઇ લેવામાં આવ્યો હતો અને સેરેમોનિયલ વાન્ડ ઓફ ઓફિસ તોડીને તેની જગ્યાએ મૂકવામાં આવી હતી.

વિન્ડસર કાસલના સેન્ટ જ્યોર્જ ચેપલના એન્ક્લેવમાં મહારાણી ક્વીન એલિઝાબેથના કોફિનને તેમના પતિ ડ્યુક ઓફ એડિનબરાની સાથે રાખવા માટે ખાનગી ફેમિલી સર્વિસ દરમિયાન દફન માટે શાહી વોલ્ટમાં નીચે ઉતારવામાં આવ્યું હતું.

આ અંતિમયાત્રાને દેશભરમાં અને વિશ્વભરના લાખો લોકો દ્વારા જોવામાં આવી હતી. આમંત્રિત ન હોય તેવા લોકો માટે સમગ્ર યુકેના શહેરોમાં મોટી સ્ક્રીનો મૂકવામાં આવી હતી. તો કેટલાક સિનેમાઘરો, પબ્સ અને અન્ય સ્થળોએ પણ તે દર્શાવવામાં આવી હતી. બેન્ક હોલીડે હોવાથી આ સર્વિસને જોવા માટે લાખ્ખો લોકોએ શેરીઓમાં લાઇન લગાવી હતી અને રાજધાનીની આસપાસના પાર્ક્સમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

1965માં સર વિન્સ્ટન ચર્ચિલના ફ્યુનરલ બાદ પહેલી વખતે સ્ટેટ ફ્યુનરલ યોજવામાં આવ્યું હતું અને બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી સેરેમોનિયલ કાર્યક્રમ હતો. દક્ષિણ કોરિયાના સિઓલના સ્ટેશન સહિત વિશ્વભરમાં લોકોએ અંતિમ સંસ્કાર વિધિ જોઇ હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને તેમની પત્ની જીલ વેસ્ટમિન્સ્ટર એબી જઇ પહોંચ્યા હતા. યુએસ પ્રમુખ જો બિડેન અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સહિત ઘણા યુરોપિયન શાહી પરિવારોના સભ્યો, છ ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાનો અને રાણીના જન્મદિવસે સન્માન મેળવનાર લગભગ 200 સભ્યો હાજર રહ્યાં હતા.

ભારતનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ સચિવ વિનય ક્વાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું.

  • ભવ્ય સ્ટેટ ફ્યુનરલ માટે સશસ્ત્ર દળોના લગભગ 6,000 જવાનો દ્વારા રિહર્સલ કરાયું હતું અને તેમની સમારોહમાં લશ્કરી ચોકસાઈ દેખાઇ આવતી હતી.
  • ભારતનું પ્રતિનિધિત્વ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ સચિવ વિનય ક્વાત્રા દ્વારા કરવામાં આવ્યું હતું.
  • રાણીનો અંતિમ વિદાય અને શ્રધ્ધાંજલી આપવા માટે ૭ કિલોમીટર જેટલી લાંબી લાઇન લાગી હતી.
  • ફૂટબોલ ખેલાડી ડેવીડ બેકહમ ૧૨ કલાક સુધી આ લાઇનમાં શાંતિથી ઉભા રહયા હતા અને તેમણે લોકો માટે ડોનટ્સ પણ ખરીદ્યા હતા.
  • રાણી એલિઝાબેથને બ્રાન્ડેડ આલ્કોહોલિક પીણાનો શોખ હતો અને ડુબોનેટ અને જિનના કોકટેલ સૌથી પ્રિય હતા. જેને કારણે લોકોએ રાણીના સન્માનમાં તે બ્રાંડ પીવાનું પસંદ કરતા માર્કેટમાં તે આઉટ ઓફ સ્ટોક થઇ ગયા હતા.
  • મહારાણીનું કોફિન ખેંચવા રોયલ નેવીના સૈનિકો પસંદ કરાયા હતા.
  • એલિઝાબેથને ઘોડા અને હોર્સ રાઈડિંગનો નાનપણથી જ શોખ હતો. તેઓ ડોગ્સ પણ રાખતા હતા. તેઓ કોર્ગી ડોગ્સને વિલાપ કરતા મૂકી ગયા છે.

LEAVE A REPLY

1 − one =