
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શુક્રવાર, 7 માર્ચની સવારે તેમના બે દિવસના ગુજરાત પ્રવાસના ભાગ રૂપે અમદાવાદ પહોંચ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન તેમણએ 2027ની વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરીને પાર્ટીના નેતાઓ સાથે બેઠકો કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં 1995થી ભાજપ શાસન છે અને કોંગ્રેસની હાલત ખરાબ છે.
એરપોર્ટ પર પહોંચ્યા પછી લોકસભામાં વિરોધ પક્ષના નેતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત કોંગ્રેસના મુખ્યાલય ગયા હતાં. તેઓ સૌપ્રથમ ભૂતપૂર્વ રાજ્ય કોંગ્રેસના પ્રમુખો અને વિધાનસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતાઓ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતાં. તેમણે રાજ્ય રાજકીય બાબતો સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી.
ગુરુવારે એક નિવેદનમાં, કોંગ્રેસે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ અગાઉ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાર્ટી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતશે અને તેઓ ચૂંટણી માટે કામ શરૂ કરવા માટે રાજ્યની મુલાકાત લેશે.
રાહુલ ગાંધી શનિવાર, 8 માર્ચે અમદાવાદમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરશે અને તે બપોરે દિલ્હી જવા રવાના થશે.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું અધિવેશન 8-9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવાનું છે. કોંગ્રેસ 64 વર્ષ પછી રાજ્યમાં તેનું અધિવેશન યોજી રહી છે ત્યારે રાહુલ ગાંધીની આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે.
