આંધ્રપ્રદેશના સિકંદરાબાદમાં 17 જૂને પેસેન્જર ટ્રેનના એક કોચમાં આગ ચાંપવામાં આવી હતી. REUTERS/Stringer

લશ્કરી દળોમાં સૈનિકોની ભરતી માટેની નવી અગ્નિપથ .યોજનાના વિરુદ્ધમાં ચાર દિવસ સુધી થયેલા ઉગ્ર વિરોધમાં.ટ્રેનોને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી હતી. જેના કારણે રેલવેની મિલકતને નુકસાન સહિત મુસાફરોના રિફંડ મળીને એક હજાર કરોડથી વધુનું નુકસાન થવાની સંભાવના છે. એટલું જ નહીં 12 લાખ લોકોને પોતાની યાત્રા રદ કરવી પડી હતી. 922 મેલ એક્સપ્રેસ ટ્રેનો તથા 120 મેલ ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે.

દોઢ લાખ મુસાફરોને અધવચ્ચે જ ટ્રેન છોડવી પડી હતી. 5 લાખથી વધુ PNR રદ કરવામાં આવ્યા હતા. મુસાફરોને લગભગ 70 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવવાનો વારો આવ્યો હતો. ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે ઝોનમાં 241 કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે. આંદોલનકારીઓ દ્વારા કરદાતાઓની કરોડોની મહેનતની કમાણીની જાહેર સંપત્તિને આડેધડ રીતે નિશાન બનાવવામાં આવી રહી છે.

ચાર દિવસમાં દેશભરમાં 922 મેલ એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. જો એક PNR પર 3 મુસાફરોને ગણવામાં આવે તો કુલ 5 લાખથી વધુ PNR રદ કરવામાં આવ્યા છે, દરેક ટ્રેનમાં સરેરાશ 1200 થી 1500 લોકો મુસાફરી કરે છે. આમ લગભગ 12 લાખ લોકોને મુસાફરી રદ કરવી પડી હતી. એક ઉદાહરણ આપતા રેલ્વે મંત્રાલયે જણાવ્યું હતું કે જો એક મુસાફરનું ભાડું ઓછામાં ઓછું 600 રૂપિયા માનવામાં આવે તો કુલ 70 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવવામાં આવી રહ્યું છે. જો આમાં 3-એસી, સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીનું ભાડું સામેલ કરાય તો રિફંડની રકમ લગભગ 100 કરોડ રૂપિયા સુધી પહોંચશે. 827 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી. 120 મેલ એક્સપ્રેસ ટ્રેન આંશિક રદ કરાઈ હતી.