(Photo by TOLGA AKMEN/AFP via Getty Images)

યુકેમાં 30 વર્ષની સૌથી ખરાબ સંયુક્ત રેલ અને ટ્યુબ હડતાલને કારણે ઘોસ્ટ ટાઉન બ્રિટનનું પુનરાગમન થયું હતું અને યુકેને સૌથી અંધકારભર્યા દિવસો તરફ ધકેલી દીધું હતું. હડતાલને ટાળવાની છેલ્લી વાટાઘાટો નિષ્ફળ જતાં આજે બ્રિટનની રેલ્વે સેવાઓ સ્થગિત થઈ ગઈ હતી. લંડન અંડરગ્રાઉન્ડના કામદારો પણ પેન્શન અને નોકરીની અછતને લઈને અલગ વિવાદ ઉભો કરી હડતાળ પર ઉતરી ગયા છે.

લડાયક RMT યુનિયન પર ‘લાખો નિર્દોષ લોકોને સજા’ આપવાનો આરોપ મૂકાયો છે. હડતાલને કારણે લાખો લોકોને કામ પર જવામાં વિલંબ થયો હતો, શાળાઓમાં વિદ્યાર્થીઓ મોડા પડ્યા હતા અને હોસ્પિટલ કે સર્જરી જતા દર્દીઓને મહત્વપૂર્ણ એપોઇન્ટમેન્ટમાં હાજરી આપતા તકલીફ થઇ હતી.

આરએમટી ચીફે જણાવ્યું હતું કે હડતાલ આવતા મહિનાઓ સુધી ચાલશે. આ અઠવાડિયે શરૂ થયેલી ત્રણ નેશનલ રેલ હડતાલે ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં લાખો લોકોની મુસાફરીમાં ખલેલ પહોંચાડી રહી છે. રેલવે સ્ટાફે મધ્યરાત્રિએ નોકરી છોડી દીધા પછી માત્ર 20 ટકા ટ્રેનો જ દોડી હતી તો ઘણા વિસ્તારોમાં ટ્રેનો ચાલી ન હતી.

RMT યુનિયન દ્વારા તેમના સભ્યોના પગાર અને રિડન્ડન્સી બાબતે ગુરુવાર અને શનિવારના રોજ વધુ બે હડતાલનું આયોજન કરાયું છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શૅપ્સને ઉકેલ શોધવા માટે દરમિયાનગીરી કરવા વિનંતી કરવામાં આવી છે. પરંતુ વડા પ્રધાન બોરિસ જૉન્સને મુસાફરોને “મક્કમ રહેવા” માટે હાકલ કરી છે કારણ કે સૂચિત સુધારા તેમના હિતમાં છે.

કેટલાક લેબર સાંસદો પણ હડતાળના સમર્થનમાં ધરણાંની લાઈનોમાં જોડાયા હતા. હડતાળને કારણે પબ, કાફે અને રેસ્ટોરન્ટ્સને એક અઠવાડિયામાં £540 મિલિયન ગુમાવવા પડશે.

રેલ યુનિયનના 50,000થી વધુ સભ્યોએ 11 ટકા પગાર વધારાની માંગણીઓને લઈને વોકઆઉટ કર્યું છે.

નેટવર્ક રેલના ચીફ એક્ઝિક્યુટિવ એન્ડ્રુ હેન્સે જણાવ્યું હતું કે ‘’હડતાલ દેશ માટે વિનાશક છે. આ કોવિડના સૌથી કાળા દિવસો જેવું છે. ગુરુવાર અને શનિવારે રેલ હડતાલ આગળ વધે તેવી શક્યતાઓ છે. આરએમટી યુનિયન અહીં મુખ્ય મુદ્દો બન્યો છે. હું હડતાળને રોકવા મારાથી બનતું બધું કરીશ.’’

RMT યુનિયનની આ કાર્યવાહી આજે, ગુરુવાર અને શનિવારે 13 રેલ ઓપરેટરોને અસર કરશે.  રહી છે. આજે અવંતિ વેસ્ટ કોસ્ટ, c2c, ચિલ્ટર્ન રેલ્વે, ક્રોસકંટ્રી, ઈસ્ટ મિડલેન્ડ રેલ્વે, યુરોસ્ટાર, ગ્રાન્ડ સેન્ટ્રલ, ગ્રેટ નોર્ધન, ગ્રેટ વેસ્ટર્ન રેલ્વે, ગ્રેટર એન્ગ્લિયા, હીથ્રો એક્સપ્રેસ, હલ ટ્રેન, LNER, લંડન નોર્થવેસ્ટર્ન રેલ્વે, લુમો, નોર્ધન, સ્કોટરેલ, સાઉથ વેસ્ટર્ન રેલ્વે, સાઉથઈસ્ટર્ન, સધર્ન, સ્ટેનસ્ટેડ એક્સપ્રેસ, થેમ્સલિંક, ટ્રાન્સપેનાઈન એક્સપ્રેસ, ટ્રાન્સપોર્ટ ફોર ગ્રેટર માન્ચેસ્ટર, ટ્રાન્સપોર્ટ ફોર વેલ્સ અને વેસ્ટ મિડલેન્ડ્સ રેલ્વેએ મર્યાદિત સેવા ચલાવી હતી. ગેટવિક એક્સપ્રેસ, કેલેડોનિયન સ્લીપર અને મર્સેરેલે કોઈ સેવા આપી નહતી.

લંડન અંડરગ્રાઉન્ડની વિવિધ રેલ લાઇનોને RMT અને યુનાઈટની હડતાલના કારણે જોરદાર અસર થઇ હતી. મોટાભાગની લાઈનો અને સ્ટેશનો બંધ રહ્યા હતા.

RMT યુનિયન બોસ અને ડાબેરી નેતા મિક લિન્ચે ‘બ્રિટનના દરેક નગર અને શહેરમાં હડતાળનું સંકલન કરવાની’ ધમકી આપી ચેતવણી આપી હતી કે તેઓ પગાર અને નોકરીઓ બાબતે ક્રિસમસ સુધી હડતાલ કરશે. જો સરકાર દિશા નહીં બદલે, તો હું માનું છું કે વધુ હડતાલની કાર્યવાહી અનિવાર્ય છે. ટ્રેડ યુનિયન તરીકે આપણે સુમેળ સાધવાની જરૂર છે.’’

લેબર હડતાલને લઈને અવઢવમાં છે. તેના કેટલાક સાંસદોએ નેતા સર કેર સ્ટાર્મરની ચેતવણીને અવગણી આજે સવારે ધરણાંમાં જોડાયા હતા. લેબર ડેપ્યુટી લીડર એન્જેલા રેનરે પણ બળવો કરી હડતાલ પરના લોકો પાસે ‘કોઈ વિકલ્પ નથી’ એવો આગ્રહ રાખ્યો હતો.

વેલ્સ અને યુકેના કેટલાક પ્રદેશો હડતાલને કારણે કપાઇ ગયા હતા. કોર્નવોલ, ડોર્સેટ, ચેસ્ટર અને હલ પાસે કોઈ સેવાઓ દેખાઇ નહતી. માત્ર ત્રણ માઇલની મુસાફરી માટે ઉબરે £27 ચાર્જ કર્યાના દાખલા દેખાયા હતા.

A-લેવલ અને GCSE વિદ્યાર્થીઓને આજે સવારે તેમની પરીક્ષામાં જવા માટે મિત્રોના ઘરે ફ્લોર પર સૂવાની કે ચાર કલાકની મુસાફરી કરવાની ફરજ પડી હતી. બિનમેન અને શિક્ષકો પણ આજે ધરણાં પર બેસેલા 50,000 રેલ કામદારો સાથે જોડાયા છે.

વડા પ્રધાન બોરિસ જૉન્સને જણાવ્યું હતું કે ‘’રેલવેમાં સુધારાની જરૂર છે. યુનિયન બેરોન્સને નેટવર્ક રેલ અને ટ્રેન કંપનીઓ સાથે બેસીને તેમની સાથે આગળ વધવાની જરૂર છે. અમે જે રીતે રેલ્વે ચલાવીએ છીએ તેમાં આ સુધારાઓ પ્રવાસી જનતાના હિતમાં છે અને ભાડા ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.’

  • ટ્રાન્સપોર્ટ ફોર લંડન અને નેટવર્ક રેલની વેબસાઇટ્સ ટ્રાફિકના ભારણને કારણે ક્રેશ થઈ હતી.
  • ટ્રાન્સપોર્ટ ફોર લંડને જણાવ્યું હતું કે મંગળવારે સવારે 10 વાગ્યા સુધી, અંડરગ્રાઉન્ડમાં સમગ્ર નેટવર્કમાં માત્ર 80,000 એન્ટ્રી અને એક્ઝિટ જોવા મળી હતી.
  • મંગળવારે સવારે 10 વાગ્યા સુધી બસોમાં 1.42 મિલિયન લોકોએ પ્રવાસ કર્યો હતો.
  • રેલ ઉદ્યોગને હડતાળને કારણે £150 મિલિયનનો ફટકો પડશે.
  • મંગળવારે માત્ર 20 ટકા ટ્રેનો દોડતી હોવાથી અને અડધી લાઈનો બંધ હોવાથી લાખો લોકોએ વિક્ષેપ ભોગવ્યો હતો.
  • લોકોએ બસ અને કાર અપનાવતા સેન્ટ્રલ લંડનના માર્ગો પર લાંબી કતારો જામી હતી. ટોમટોમના ડેટા મુજબ મંગળવારે સવારે 8થી સવારે 9ની વચ્ચે લંડનના રસ્તાઓ પર ટ્રાફિકની ભીડ 98 ટકા હતી. 2019માં સરેરાશ 67 ટકા અને 2021માં 54 ટકા હતી.