મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અવિરત મૂશળધાર વરસાદને પગલે 19 ઓગસ્ટે સતત બીજા દિવસે જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. મુંબઈ શહેરમાં સતત બીજા દિવસે મેઘતાંડવ ચાલુ રહેતા રોડ, રેલવે અને વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ હતી.મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મૈસુર કોલોની અને ભક્તિ પાર્ક સ્ટેશનો વચ્ચે વીજળી ગુલ થવાને કારણે ઓછામાં ઓછા 200 મુસાફરો સાથેની મોનોરેલ ટ્રેન ફસાઇ ગઈ હતી. જોકે આશરે 3 કલાક પછી તમામ મુસાફરોને બારીઓ તોડીને બચાવી લેવામાં આવ્યા હતાં. બચાવાયેલા મુસાફરોએ જણાવ્યું હતું કે ટ્રેન ઉંચા ટ્રેક પર દોડતી હતી અને અચાનક અટકી પડી હતી. એસી સિસ્ટમ બંધ થઈ જતાં ઘણા લોકોએ ગૂંગળામણની ફરિયાદ કરી હતી.
રાજ્યોમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાં હતાં અને સેંકડો લોકો બેઘર બન્યાં હતાં. સ્કૂલ, કોલેજો, ઓફિસો બંધ રખાઈ હતી. મુંબઈમાં 24 કલાકમાં રેકોર્ડ 11 ઇંચથી વધુ વરસાદને પગલે કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા હતા.
મુંબઈ ઉપરાંત વિદર્ભ ક્ષેત્રના ગઢચિરોલી અને મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ સહિત બીજા જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સાથે પૂરની સ્થિતિની સમીક્ષા કરીને જણાવ્યું હતું કે આગામી 48 કલાક મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે મહત્વપૂર્ણ રહેશે, જે હજુ પણ હાઇ એલર્ટ પર છે. નાંદેડ જિલ્લામાં વાદળ ફાટવા જેવી સ્થિતિને કારણે અચાનક પૂર આવ્યું હતું, જેમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે મુંબઈમાં લગભગ 300 મીમી (આશરે 11.81 ઇંચ) જેટલો રેકોર્ડ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે 12થી 14 લાખ એકર જમીનમાં ઊભા પાકને નુકસાન થયું છે. પડોશી રાજ્ય સાથે સંકલન કરીને ડેમોમાંથી પાણી છોડવાની યોજના બનાવવામાં આવી છે. અનિયંત્રિત કેચમેન્ટ વિસ્તારો ચિંતાનો વિષય છે. NDRFના નિયમો મુજબ, જિલ્લા કલેક્ટરોને પશુધનના નુકસાન, ઘરના નુકસાન અને જાનહાનિ માટે અસરગ્રસ્ત વ્યક્તિઓને નાણાકીય સહાય અંગે નિર્ણય લેવા માટે સત્તા આપવામાં આવી છે.
રાતભર ભારે વરસાદ ચાલુ રહેતાં મુંબઈમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. તેનાથી રોડ અને લોકટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓ માટે રજા જાહેર કરી હતી. સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહેલી બોમ્બે હાઈકોર્ટ માત્ર 12.30 વાગ્યા સુધી જ કાર્યરત રહી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જારી કરેલા ‘રેડ એલર્ટ’ને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજો પણ બંધ રખાઈ હતી. ઉચ્ચ શિક્ષણ નિયામકે પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ સહિત કોંકણ પ્રદેશની તમામ સિનિયર કોલેજોમાં રજા જાહેર કરી હતી.
ધોધમાર વરસાદને કારણે વિમાન સેવાને પણ અસર થઈ હતી. ઓછામાં ઓછી આઠ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ હતી અને ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. સ્થાનિક ટ્રેન સેવાઓ મોડી પડી હતી, અને મુંબઈમાં જાહેર પરિવહનની બસોને કેટલીક જગ્યાએ ડાયવર્ટ કરાઈ હતી.
થાણે અને પાલઘરમાં મુશળધાર વરસાદને અનેક વિસ્તારો પાણીમા ગરકાવ થતાં ઓછામાં 1,100 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યાં હતાં. છેલ્લા બે દિવસમાં નાંદેડ જિલ્લાના પૂરગ્રસ્ત ગામડાઓમાંથી 290થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે સ્ટેસ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને આર્મી તૈનાત કરાઈ છે. સવારે 1.40 વાગ્યાની આસપાસ મુખેડ-ઉદગીર રોડ પર પૂરગ્રસ્ત વિસ્તારમાં ઓટોરિક્ષા અને કારમાં મુસાફરી કરી રહેલા સાત લોકો તણાઈ ગયા હતાં. સ્થાનિક બચાવ ટીમોએ ત્રણ પુરુષોને બચાવી લીધા હતા, જ્યારે એક પુરુષ અને ત્રણ મહિલાઓની શોધખોળ ચાલુ હતી.
