બિઝનેસમેન રાજ કુન્દ્રા ફાઇલ ફોટો (Photo by STR/AFP via Getty Images)

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બ્રિટિશ ઇન્ડિયન બિઝનેસમેન રાજ કુન્દ્રાની સોમવારે સાંજે ધરપકડ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પોર્નોગ્રાફી કેસમાં કુન્દ્રાની ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રાને મગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે શુક્રવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.

મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. આ કેસને લગતા અમારી પાસે પૂરતા પૂરાવા છે. 45 વર્ષીય કુન્દ્રા આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર હોવાનું દેખાય છે.

બિઝનેસમેન રાજ કુંદ્રાની સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રાજ પર સોફ્ટ પોર્ન ફિલ્મ બનાવવા ઉપરાંત એપ પર અપલોડ કરવાનો પણ આક્ષેપ છે. પોલીસનો દાવો છે કે રાજ કુંદ્રા પોતાના ભાઈ સાથે મળીને બ્રિટનમાં કંપની બનાવી હતી અને આ કંપની જ પોર્ન ફિલ્મ માટે અનેક એજન્ટ્સને કોન્ટ્રાક્ટ આપતી હતી.ક્રાઇમ બ્રાંચની તપાસમાં એક વ્હોટ્સએપ ગ્રુપ હોવાનો ભાંડો ફૂટ્યો છે. આ ગ્રુપની મદદથી કોન્ટ્રાક્ટ અંગે વાત થતી હતી.

પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવનો આ કેસ આ વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો હતો. જોકે, રાજ કુન્દ્રાએ પોતે કંઈ ખોટું કર્યું નથી તેમ જણાવતા આ કેસમાં આગોતરા જામીન માંગ્યા હતા. એક અહેવાલ પ્રમાણે પોલીસે ગયા સપ્તાહે બે એફઆઈઆર નોંધી હતી અને નવ લોકોને કથિત રીતે એક્ટર્સને અશ્લીલ ફિલ્મ માટે ન્યૂડ સીન શૂટ કરવા માટે મજબૂર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મોને પેઇડ મોબાઈલ એપ્લિકેશન પર રિલીઝ કરવામાં આવી હતી,
નોંધનીય છે કે ક્રાઈમ બ્રાન્ચે સોમવારે પહેલા રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલી ઘટના નથી જ્યારે રાજ કુન્દ્રા વિવાદોમાં રહ્યા છે, અગાઉ પણ તેઓ ઘણા વિવાદોમાં આવી ચૂક્યા છે.

રાજ બિઝનેસની દુનિયામાં જાણીતું નામ છે. જોકે, ભારતમાં રાજ કુંદ્રા બિઝનેસમેન કરતાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધુ ઓળખાય છે.9 સપ્ટેમ્બર, 1975માં લંડનમાં જન્મેલા રાજ કુંદ્રાના પિતા બાલકૃષ્ણ કુંદ્રા પંજાબના લુધિયાણાના હતા. તેઓ લંડન ગયા હતા.