રાજસ્થાનના ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનારા કન્હેયાલાલ નામના વ્યક્તિની કટ્ટરવાદીઓએ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપની હત્યા કરી હતી. કથિત હત્યારાઓએ શરીરથી ઘડને અલગ કર્યાનો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. આ કાળજુ કંપાવનારી ઘટનાથી રાજસ્થાનમાં હિન્દુ મુસ્લિમ સમુદાય વચ્ચે તંગદિલી ઊભી થઈ હતી. ઉદયપુરમાં ઇન્ટરનેટ સસ્પેન્ડ કરાયું હતું.હત્યારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના ભૂતપૂર્વ નેતા નુપુર શર્માએ મહંમદ પયંગબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે રિયાઝ તરીકે ઓળખ થયેલા હુમલાખોરે કન્હૈયાલાલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. બીજો હુમલાખોર મોબાઇલ ફોનમાં આ ગુનાહિત કૃત્યનું રેકોર્ડિંગ કરતો હતો. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર મૃતકે નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી. આ હત્યા બાદ સ્થાનિક બજારો બંધ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે રાજ્યભરમાં એલર્ટ જારી કરીને પોલીસ ફોર્સમાં વધારો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જઘન્ય હત્યા થઈ છે અને તેની તપાસ ચાલુ છે. કેટલાંક આરોપીઓની ઓળખ થઈ છે. અમે આ કૃત્ય આચર્યું હોવાનો દાવો કરનારા વ્યક્તિની ધરપકડ કરી છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આ ઘટનાની નિંદા કરી હતી તેમણે જણાવ્યું હતું કે આ નાની ઘટના નથી, જે બન્યું તે આપણી કલ્પના બહારનું છું. ગુનેગારોને છોડવામાં આવશે નહીં.










