ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રાજકોટમાં શુક્રવારે રમાનારી બીજી વન ડે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો છે. ભારતનો વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત બીજી વન ડેમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ વન ડેમાં બેટિંગ દરમિયાન તેને માથામાં બોલ વાગ્યો હતો, જે બાદ તે વિકેટકિપિંગમાં નહોતો આવ્યો. તેના સ્થાને લોકેશ રાહુલે કિપિંગ કર્યું હતું અને બાદમાં બીસીસીઆઈએ આ અંગે નિવેદન પણ બહાર પાડ્યું હતું.
મંગળવારે મેચ દરમિયાન માથામાં બોલ વાગ્યા બાદ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને બુધવારે સાંજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો હતો. જે બાદ પંત મુંબઈથી રાજકોટ આવવાના બદલે બેંગલુરુ નેશનલ ક્રિકેટ એકેડમીમાં સ્પેશિયલ ડોક્ટરોની દેખરેખમાં રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નિવેજન બહાર પાડીને કહ્યું છે કે, પંત આગામી વન ડે નહીં રમે.
બીસીસીઆઈએ નિવેદન બહાર પાડીને કહ્યું, પ્રથમ વન ડેમાં હેલ્મેટ પર બોલ વાગ્યા બાદ પંતને કનકશનના કારણે ગેમમાં હિસ્સો લેવા દેવામાં આવ્યો નહોતો. રાતે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં વિશેષજ્ઞ ડૉક્ટરોએ તપાસ કરી. હાલ તે ઠીક છે અને સ્કેન રિપોર્ટમાં પણ કોઈજાતની પરેશાની જોવા મળી નથી. તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયો છે અને બેંગલુરુ એનસીએમાં મોકલવામાં આવશે. તે હાલ માત્ર બીજી વન ડે મેચમાંથી બહાર થયો છે. અંતિમ વન ડેમાં રમી શકશે કે નહીં તેનો ફેંસલો રિહેબિલિટેશન પ્રોટોકલ પૂરો થયા બાદ લેવાશે.