વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન 12 માર્ચે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું નવું સંકુલ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું અને તેના પ્રથમ દીક્ષાંત સમારંભમાં સંબોધન કર્યું હતું. . (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન 12 માર્ચે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું નવું સંકુલ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું અને તેના પ્રથમ દીક્ષાંત સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે ખાખીથી સાવચેત રહેવું જોઇએ તેવી ધારણાને હવે ખોટી પાડી દેવામાં આવી છે.હવે જ્યારે લોકો ખાખીને જુએ છે ત્યારે તેઓને મદદની ખાત્રી મળે છે. આ યુનિવર્સિટી એ પોલીસ માટેની સંસ્થા નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રની સુરક્ષા માટે સમર્પિત યુનિવર્સિટી છે.

આજના દિવસના વિશેષ મહત્વનું સ્મરણ કરીને વડાપ્રધાને મહાકૂચ કરનાર મહાત્મા ગાંધી અને દાંડી કૂચમાં સહભાગી થનારા વીર આંદોલનકારીઓને શ્રદ્ધાંજલિ આપીને ઉમેર્યું હતું કે, ‘અંગ્રેજોના અન્યાય સામે ગાંધીજીના નેતૃત્વ હેઠળની આ ચળવળએ બ્રિટિશ સરકારને આપણા ભારતીયોની સામૂહિક શક્તિનો અહેસાસ કરાવ્યો હતો.

મોદીએ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓની છબી બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોરોના મહામારી દરમિયાન પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા માનવીય કાર્યોની નોંધ પણ તેમણે લીધી છે.મોદીએ જણાવ્યું હતું કે જો ગુનેગારો ટેક્નોલોજીનો ઉપયોગ કરતા હોય તો તેમને પકડવા માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો આવશ્યક છે. ટેક્નોલોજી પરનો આ ભાર દિવ્યાંગ લોકોને પણ આ ક્ષેત્રમાં યોગદાન આપવા સક્ષમ બનાવશે.

વડાપ્રધાને કહ્યું કે ગાંધીનગરમાં નેશનલ લૉ યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બિમલ એન. પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે આ યુનિવર્સિટીની 10 સ્કીલોમાં તાલીમ, સંશોધન, શિક્ષણ અને વિસ્તરણના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આ સંસ્થામાં પોલીસિંગ અને આંતરિક સુરક્ષાના વિવિધ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે તેમાં હાલમાં 18 રાજ્યોમાંથી 822 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સમારોહમાં આર્મી, નેવી, એરફોર્સ, સીઆઇએસએફ, એનડીઆરએફ, સીઆરપી, બીએસએફ તથા એનસીસીના ઉચ્ચ અધિકારીઓ, લવાડ પંચાયતના સભ્યો, રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના અધ્યાપકો, પદવી મેળવનાર વિદ્યાર્થીઓ વાલીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા.