ભારતના બેંગ્લોરમાં રહેતા 17 વર્ષના અશ્વિન રામનની નિમણુંક સ્કોટિશ ક્લબ ડંડી યુનાઇટેડ ખાતે સ્કાઉટ અને એનાલીસ્ટ તરીકે કરવામાં આવી છે. અશ્વિન 2019થી આ ક્લબમાં છે અને હાલમાં સ્કોટિશ પ્રીમિયરશીપમાં છઠ્ઠા સ્થાને છે.

જ્યારે આપણામાંના ઘણાને કોરોનાવાયરસ રોગચાળાને કારણે દૂરથી કામ કરવાની ટેવ પડી રહી છે ત્યારે અશ્વિન 5,111 માઇલ (8,225 કિ.મી.) દૂર બેંગ્લોર, ભારતથી કામ કરી રહ્યો છે. ફૂટબોલનાં પુસ્તકો વાંચ્યા પછી જ અશ્વિને પોતાના 13મા જન્મદિવસે ફૂટબોલનો બ્લોગ લખવાનું શરૂ કર્યુ હતું અને તે પછી તો તે જેટલા વધુ ફૂટબોલ એનાલીસીસ મૂકતો એટલા તેના ટ્વિટર ફોલોઅર્સ વધતા ચાલ્યા હતા.

તેને 2019માં ડંડી યુનાઇટેડના મુખ્ય સ્કાઉટ સ્ટીવી ગ્રીવે એક વિશેષ સંદેશ મોકલ્યો હતો અને પૂછ્યું હતું કે શું તને ક્લબમાં કામ કરવું છે.” અશ્વિન માટે તો પહેલા જે કરતો  હતો તે કામ હવે પૈસા લઇને કરવાની તક હતી.

બસ પછી તો અશ્વિન લેપટોપ પર કલાકો પસાર કરતો, ખેલાડીઓના ડેટા જોતો. તેમની રમતના વિડિઓઝનું વિશ્લેષણ કરતો. તેનો મોટાભાગનો સમય નવા ખેલાડીઓની શોધ કરવામાં ખર્ચ થતો. તેને કહેવામાં આવતું કે ક્લબને કયા પ્રકારનાં ખેલાડી જોઈએ છે? બસ અશ્વિન અથાક મહેનત અને વિષ્લેષણ કરી ક્લબને તે ખેલાડી પસંદ કરીને નામ આપી દેતો.

યુકે અને ભારત વચ્ચે સમયનો ખૂબ મોટો તફાવત રહે છે. પરંતુ અશ્વિનની યુરોપિયન ફૂટબૉલ જોવાની આદતના કારણે તે યુકેના સમય મુજબ જીવતો થઇ ગયો છે. તે હજી પણ એક વિદ્યાર્થી છે અને તેની પરીક્ષાઓ હોવાથી તે વધારે કામ કરતો નથી.

અશ્વિનનો પ્રિય ખેલાડી એડન હેઝાર્ડ છે અને તેને ફૂટબોલ રમવાનું પસંદ છે પરંતુ તે જાણે છે કે તે પીચ પર સૌથી ખરાબ ખેલાડી હોઈ શકે છે. પરંતુ પિચની બહાર તે ગજબનો છે. તેનું સ્વપ્ન શક્ય હોય તે ઉચ્ચતમ સ્તર પર પહોંચવાનું છે.