હર મેજેસ્ટી ધ ક્વીનના 2022 બર્થડે ઓનર્સ લિસ્ટમાં કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE) તરીકે જાણીતા લોયર અને ફિલાન્થ્રોપીસ્ટ શ્રી રમેશ વાળાની પસંદગી કરવામાં આવી છે.

નૈરોબી, કેન્યામાં ઉછરેલા રમેશ વાળાને આ અગાઉ OBE એનાયત કરાયું હતું.

રમેશ વાળાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ‘’હું ઘણા બધા લોકો, ખાસ કરીને મારી પત્ની પત્ની ઇલા, કુટુંબ અને મિત્રો, ગ્રાહકો અને સહકાર્યકરોનો ખૂબ આભારી છું, જેમણે વર્ષોથી મારા વિચારો અને કાર્યોને આકાર આપ્યો છે. હું કેટલાક તેજસ્વી વ્યક્તિઓના માર્ગદર્શન માટે આભારી છું કે જેઓ મારી સાથે આ પ્રવાસમાં હતા, દરેક પગલા પર મને પડકાર ફેંકતા હતા. મને આનંદ છે કે અમે વિવિધ સખાવતી હેતુઓ માટે £2 મિલિયનથી વધુનું ભંડોળ એકત્ર કરી શક્યા છીએ. અમે તાજેતરમાં કોવિડ-19 દરમિયાન પોલીસ, એમ્બ્યુલન્સ સેવાઓ, કેર હોમ્સ, ફૂડ બેંકો તેમજ લંડનની વિવિધ NHS હોસ્પિટલોને ભોજનની જોગવાઈ કરી આપવામાં સક્ષમ થયા હતા.’’

રમેશ વાળાએ ફ્રન્ટ લાઇન NHS રિસ્પોન્સ માટે સેવા આપી હતી. તેમણે જાહેર જનતાની સેવા કરવા માટે અથાક કામ કરવાની નિરંતર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

રમેશ વાળા નાની વયે માતા ગુમાવ્યા બાદ ભાઈ-બહેનોની દેખરેખ રાખી આકરી મહેનત કરી સ્વબળે આગળ આવ્યા છે. કેન્યામાં ઉજ્જવળ અભ્યાસ બાદ રમેશભાઇએ યુકે આવીને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો અને સેન્ટ્રલ લંડનની લૉ ફર્મમાં જોડાયા હતા. તેઓ ટૂંકાગાળામાં જ ટોચની 100 બ્રિટિશ લો ફર્મમાં ઇક્વિટી પાર્ટનર બન્યા હતા.

તેઓ દાયકાઓથી ચેરિટી કાર્યો માટે સક્રિય છે અને કેન્સર રાહત, કન્યા શિક્ષણ, ગુલામી વિરોધી, કુદરતી આપત્તિ રાહત, હોસ્પિટલ સુવિધાઓ, વિકલાંગ બાળકો માટે રમતગમત, ગરીબ બાળકો માટે ખોરાક અને ગરીબો માટે આંખની શસ્ત્રક્રિયા જેવા કાર્યો યુ.કે., આફ્રિકા, ભારતમાં કરે છે.

ત્રણ દાયકાઓથી, રમેશભાઇ બ્રિટનની અગ્રણી ટૂરીંગ થિયેટર કંપની તમાશા સાથે સંકળાયેલા છે જે નવા નાટકોનું નિર્માણ કરે છે. તેઓ તેના પેટ્રન છે. તેઓ દેશના વૈશ્વિક રાજદૂત પણ છે.