પાકિસ્તાનમાં તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ, દેશમાં દર બે કલાકે એક મહિલા સાથે દુષ્કર્મની એક ઘટના ઘટે છે. આ સર્વેમાં દેશમાં મહિલાઓ માટે એવી અસુરક્ષિત સ્થિતિને ઉજાગર કરવામાં આવી છે, જ્યાં ઓનર કિલિંગના કેસ મોટાપાયે બહાર આવે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગૃહ વિભાગ અને માનવ અધિકાર મંત્રાલયમાંથી એકત્ર કરાયેલા આંકડાઓના આધારે પાકિસ્તાનની ચેનલ-સમા ટીવીની તપાસ ટીમ-એસઆઇયુ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓ સાથે દુષ્કર્મના કેસમાં વધારો નોંધાયો છે પરંતુ સજા થવાનો દર ખૂબ જ ઓછો 0.2 ટકા છે.
નવા આંકડાઓમાંથી જણાય છે કે, 2017થી 2021 સુધી દેશમાં 21,900 મહિલાઓ સાથે દુષ્કર્મ થયું હોવાનું નોંધાયું હતું. એટલે કે, દેશમાં રોજ લગભગ 12 મહિલાઓ અથવા તો દર બે કલાકે એક મહિલા સાથે દુષ્કર્મ થયું હતું. સર્વે કરનારાઓના જણાવ્યા અનુસાર આ નોંધાયેલા કેસ ખૂબ જ ઓછા છે, કારણ કે, સામાજિક કલંક અને અન્ય કેટલાક કારણોના ડરના કારણે મહિલાઓ આવી ઘટનાઓની જાણ કરતી નથી. આંકડામાં જણાવ્યા પ્રમાણે 2017માં દુષ્કર્મના લગભગ 3327 કેસ નોંધાયા હતા. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 2018માં આ કેસની સંખ્યા 4456 હતી, 2019માં 4573 કેસ, 2020માં 4478 કેસ અને પછી 2021માં વધીને 5169 કેસ નોંધાયા હતા.
2022માં મીડિયામાં દેશભરમાં દુષ્કર્મના 305 કેસ નોંધાયા હતા. મે મહિનામાં 57, જુનમાં 91, જુલાઇમાં 86 અને ઓગસ્ટમાં 71 કેસ બહાર આવ્યા હતા. અગાઉ મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, પંજાબમાં મેથી ઓગસ્ટ 2022 દરમિયાન દુષ્કર્મના અંદાજે 350 કેસ બહાર આવ્યા હતા, પરંતુ વર્ષના પ્રથમ ચાર મહિનાના કોઇ આંકડા ઉપલબ્ધ નથી. આ વર્ષે પાકિસ્તાનની 44 કોર્ટોમાં મહિલાઓ વિરુદ્ધ જાતીય હિંસાના 1301 કેસની સુનાવણી થઇ હતી. પોલીસે 2856 કેસોમાં ચાર્જશીલ દાખલ કરી હતી પરંતુ ફક્ત ચાર ટકા કેસમાં જ કેસની સુનાવણી કરવામાં આવી હતી. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન દુષ્કર્મના કેસમાં ફક્ત 0.2 ટકા લોકો જ દોષિત ઠર્યા હતા. 2020માં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં કોર્ટોમાં મહિલા વિરોધી પૂર્વાગ્રહ ધરાવનાર 75 દેશોમાં પાકિસ્તાનને મોખરાનું સ્થાન મળ્યું હતું.

LEAVE A REPLY

2 × 3 =