ફુગાવાને અંકુશમાં લેવા માટે અમેરિકા સહિતના દેશોમાં વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ છે ત્યારે ભારતની સેન્ટ્રલ બેન્ક રિઝર્વ બેન્કે શુક્રવારે વ્યાજદરમાં 0.50 ટકાનો ધરખમ વધારો કર્યો હતો. આ રેટહાઇક સાથે આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર 5.9 ટકા થયા છે. ચાલુ વર્ષના મે પછીથી રિઝર્વ બેન્કે વ્યાજદરમાં 1.90 ટકાનો મોટો વધારો કર્યો છે. દેશમાં હાલ વ્યાજદર ત્રણ વર્ષના ઊંચા સ્તરે છે.

RBIની મોનિટરી પોલિસી કમિટી (MPC)ના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદરમાં 0.50 % વધારવાનો મત આપ્યો હતો. રિઝર્વ બેન્કના ગવર્નરે જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતના વ્યાજના દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેન્કને વ્યાજના દર વધારવા ફરજ પડી છે.

મે 2020થી મે 2022 વચ્ચે રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. બેન્કો જ્યારે નાણાંની જરૂર પડે અને રિઝર્વ બેંક પાસેથી તે મેળવે ત્યારે જે વ્યાજ દર ચૂકવે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ આ બે વર્ષ 4 ટકા રહ્યો હતો.

જોકે, વધી રહેલા ફુગાવા અને વૈશ્વિક બેન્કોએ વ્યાજ દર વધારવાનું શરૂ કરતાં મે મહિનામાં આશ્ચર્યજનક રીતે  સમીક્ષા પહેલા જ રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવા શરૂ કર્યા હતાં. આ બેઠક પહેલા રેપો રેટ વધી 5.4 ટકા થઈ ગયો હતો.

રિઝર્વ બેન્ક માટે હાલમાં સૌથી મોટી ચિંતા રૂપિયામાં થઈ રહેલો ઘસારો છે. રૂપિયામાં ઘસારાની સીધી અસર આયાત બિલ પર પડી રહી છે. ફોરેકસ રિઝર્વમાં ઘટાડાથી મની માર્કેટમાં દરમિયાનગીરી કરવાની રિઝર્વ બેન્કની ક્ષમતા ઓછી થઈ રહી છે ફોરેકસ રિઝર્વ તેની 642 અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી 100 અબજ ડોલર જેટલું ઘટી 545 અબજ ડોલર આવી ગયું છે. વર્તમાન વર્ષમાં રૂપિયો ડોલર સામે દસ ટકા જેટલો ઘટી ગયો છે.

LEAVE A REPLY

20 − two =