(ANI Photo)

ગુજરાતમાં મંગળવાર, 17 જૂને સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા તથા 23 જૂન સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ અને બચાવ કાર્યો મુદ્દે સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક સચિવ જંયતિ રવિ અને રાહત કમિશનર સહિતના અધિકારીઓ ‌હાજર રહ્યા હતાં. તેમણે તમામ જિલ્લા કલેકટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી.

આ અગાઉ ગાંધીનગરમાં સ્ટેટ ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર આલોક પાંડેની ઉપસ્થિતિમાં વેધર વોચ કમિટીની બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં હવામાન વિભાગ, માર્ગ-મકાન, NDRF, SDRF અને કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે દરમિયાન રાજ્યમાં વરસાદની સ્થિતિ, રાહત-બચાવ કાર્ય સહિતની બાબતો પર સમીક્ષા કરાઈ હતી.

રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કુલ સાત ડેમને હાઇએલર્ટ અને છ ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. રાજ્યમાં છ ડેમો સંપૂર્ણ પણે ભરાઈ ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમ 51.59% ભરાઈ ગયો છે.

હવામાન વિભાગે તેના બુલિટનમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓ માટે ભારે વરસાદનો રેડ એલર્ટ જારી કર્યો હતો. દરમિયાન, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા હતા, જેમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી.  ગુજરાતના બાકીના જિલ્લાઓમાં પણ બુધવારે સવારે 8:30 વાગ્યા સુધી ભારે વરસાદની ચેતવણી યલો એલર્ટ હેઠળ મૂકાયા હતાં.

 

 

LEAVE A REPLY