ICC મહિલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2025નો 30 સપ્ટેમ્બરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ સાથે પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ રીતે રમાશે, જેમાં પાકિસ્તાનની મેચો કોલંબોમાં રમાશે.આ ટુર્નામેન્ટમાં આઠ ટીમ વચ્ચે રાઉન્ડ રોબિન લીગ ફોર્મેટમાં મેચો રમાશે. 30મી સપ્ટેમ્બરે તેનો પ્રારંભ થશે અને બીજી નવેમ્બરે ફાઈનલ રમાશે. જેમાં કુલ 28 લીગ અને ત્રણ નોકઆઉટ મેચ રમાશે. ભારત 2013 બાદ પ્રથમ વખત વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની યજમાની કરશે.
આઇસીસીની વિવિધ ઇવેન્ટ માટે ભારતે તેની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યા બાદ આઇસીસીએ હાઇબ્રિડ મોડેલ અપનાવ્યું છે અને તેથી બંને વચ્ચેની મેચો તટસ્થ કેન્દ્ર પર યોજાશે. આ મુજબ ભારત અને પાકિસ્તાનની વિમેન્સ ટીમ વચ્ચેની પાંચમી ઓક્ટોબરની મેચ માટે કોલંબોની પસંદગી કરવામાં આવી છે.6મી ઓક્ટોબરે બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે જ ભારતબાંગ્લાદેશ સામે ટકરાશે.
વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતની અન્ય મેચ વિશાખાપટનમ ખાતે યોજાશે. જેમાં નવમી ઓક્ટોબરની સાઉથ આફ્રિકા અને 12મી ઓક્ટોબરની ઓસ્ટ્રેલિયા સામેની મેચનો સમાવેશ થાય છે.વિશાખાપટનમ ખાતે રમ્યા બાદ ભારતીય વિમેન્સ ટીમ 19મીએ ઇંગ્લેન્ડ સામે ઇન્દોર ખાતે અને 23મીએ ન્યૂઝીલેન્ડ સામે ગુવાહાટી ખાતે રમશે.
આઇસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા હાલમાં ચેમ્પિયન છે. ભારતની વિમેન્સ ટીમ અગાઉ કયારેય વિમેન્સ વર્લ્ડ કપ જીતી શકી નથી.
યજમાન હોવાને કારણે ભારત આપોઆપ આઈસીસી ઇવેન્ટ માટે ક્વોલિફાઈ થયું છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિલ અને શ્રીલંકાએ ક્વોલિફાઈ કરી લીધું હતું. બે સ્થાન માટે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રસાકસી હતી જેમાં વેસ્ટ ઇન્ડિઝ ક્વોલિફાયર મેચોમાં રનરેટના આધારે બાંગ્લાદેશ કરતાં પાછળ રહી ગયું હતું. ટુર્નામેન્ટમાં 28 લીગ મેચ બાદ ત્રણ નોકઆઉટ રમાશે.
