ભારતમાં વધી રહેલા કોરોનાવાયરસ રોગચાળાના કેસો અને તેમાં પણ ભારતીય વેરિયન્ટના 132 કરતા વધુ કેસો યુકેમાં નોંધાતા યુકે દ્વારા ભારતને શુક્રવાર 23 એપ્રિલથી રેડ લીસ્ટમાં મૂકાતા અગત્યના કારણોસર ભારત ગયેલા બ્રિટીશ ભારતીયોની હાલત કફોડી થઇ ગઇ છે. કેટલાક ભારતીયોએ તો પોતાના સ્વજનો તો ગુમાવ્યા જ છે સાથે સાથે 3થી 5 હજાર પાઉન્ડનો વધારાનો બોજો તેમના માથે આવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

વેમ્બલીમાં રહેતા અને બ્યુટીશીયન તરીકે લંડનમાં કામ કરતા જયશ્રી (ટીના) પટેલના યુવાન વય ધરાવતા ભાઇ વરૂણ પટેલનું તા. 16મા માર્ચે હાર્ટએટેકથી નિધન થયું હતું. ટીનાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ”મારા ભાઇનું નિધન થતા 29-30 વર્ષના ભાભી અને વૃધ્ધ માતા-પિતાને સહાય અને આશ્વાસન મળે તે આશયે તાત્ટીકાલિક ભારત  દોડી જવુ પડ્યું હતું.” ટીનાએ પોતાની પરત થવાની ટિકીટ તા. 30મી એપ્રિલના રોજ બુક કરાવી હતી. પરંતુ યુકેની સ્થિતીને જોતા ટીકીટ બુકીંગ એજન્ટે તેમની ટિકીટ 8મી મેની કરી દીધી હતી.

હવે હાલત એ છે કે કોરોનાવાયરસના કારણે બ્યુટી સલૂન્સ ગયા વર્ષથી જ બંધ જેવી હાલતમાં હોવાથી નોકરી ગુમાવી બેસેલા ટીના પટેલ યુકે પરત કઇ રીતે આવવું તેનો વિચાર કરી રહ્યા છે. ભારતને રેડ લીસ્ટમાં મુકાયું હોવાથી ટીનાએ ટિકીટ બદલાઇ હોવાથી ઉપરનો સરચાર્જ ભરવો પડશે અને વધારાના £1750 રોકડા 10 દિવસના હોટેલ ક્વોરેન્ટાઇનના અને £300 કોવિડ ટેસ્ટીંગના ભરવા પડશે. ટીનાની મુસીબત એ છે કે તેમની પાસે નોકરી નથી અને હવે વધારાના £2,000નો બોજો આવી ગયો છે. ભાઇનું નિધન થતા અચાનક ભારત જવાનું થવાથી ટીનાએ ભારત જવા માટે પણ મિત્રો – પરિચીતો પાસેથી રોકડ રકમ ઉછીની લેવી પડી હતી.

ટીનાને એક ટ્રાવેલ એજન્ટે એમ સમજાવ્યું કે જો તમે કોઇ મહિલા પરિચીત મુસાફર સાથે લંડનમાં કોવરેન્ટાઇન દરમિયાન હોટેલ રૂમ શેર કરો તો તમારે £1750 નહિં પણ £1500 પ્રતિ વ્યક્તિ ભરવા પડશે. ખરેખર તો રૂમ શેર કરવાની સ્થિતીમાં તેમણે £875 જ ભરવા પડે. શું ટ્રાવેલ એજન્ટ આવી રીતે લોકોની તકલીફનો ફાયદો ઉઠવી રહ્યા છે?

નોર્થ વેસ્ટ લંડનના કોલિન્ડેલમાં રહેતા અને અસ્ડા સ્ટોર્સમાં સીનીયર ટ્રેડીંગ મેનેજર તરીકે ફરજ બજાવતા મનિષ બારોટના પિતાનું  તાજેતરમાં મરણ થયું હતું. બહેન અમેરિકા રહેતા હોવાથી એક માત્ર પુત્ર તરીકે મનિષભાઇ તુરંત જ ભારત દોડી ગયા હતા. એકલા પડી ગયેલ માતાને મનિષભાઇ વિઝીટર વિઝા પર યુકે તો તાત્કાલિક લાવી શકે તેવી સ્થિતીમાં ન હોવાથી મનિષભાઇ હાલમાં પોતાની માતાને બહેનને ત્યાં યુએસ મોકલવા વ્યવસ્થા કરી રહ્યા છે. બીજા તરફ પ્રોપર્ટી, બેન્ક અને બીજી બધી બાબતોની ચિંતા પણ તેમને સતાવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે અગત્યની ચિંતા તેમની નોકરી અને તેની સાથે જોડાયેલી જવાબદારીની છે.

મનિષભાઇએ ટીનાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ”ચાર સપ્તાહ ભારતમાં રહેવાના પ્લાનિંગ સાથે હું ભારત ગયો હતો અને યુકે પરત આવવાની એર ટિકીટ તા. 15મી મેની હતી. આ સંજોગોમાં જો હું તા. 15ના રોજ પરત આવું તો મારે લંડનમાં જ પોતાના પરિવારીક ઘરથી 20-25 માઇલ દૂર હોટેલમાં ક્વોરેન્ટાઇન થવું પડે.” મનિષભાઇ  ક્વોરેન્ટાઇનના કારણે નોકરી પર નહિં જઇ શકે તો તેમની તેટલી રજાઓનો પગાર તેમને મળી શકશે નહિં. આટલું જ નહિં સુપરસ્ટોરમાં ત્રીજા ક્રમની જવાબદારી સંભાળતા હોવાથી તેમના સ્ટોર્સમાં પણ સેલ્સ પ્લાનીંગ, સ્ટાફ હોલીડે બુકીંગ, ડે ટુ ડે વર્ક, સ્ટાફની સીક લીવ, અન્ય વ્યવસ્થા સંભાળવામાં સ્ટોર્સ મેનેજમેન્ટને અસર થશે.

મનિષભાઇના પત્ની પ્રકૃતિ પણ કામ કરે છે અને 10 વર્ષથી નાના બે બાળકોની જવાબદારી સંભાળે છે. તમે કલ્પના કરો કે તેઓ કઇ રીતે તેમને શાળાએ લેવા-મૂકવા જવાનું કે બાળકોને સાચવવાનું કામ કરી એકલે હાથે કરી શકશે.

વેમ્બલીમાં રહેતા અને સુપરવાઇઝર તરીકે કામ કરતા પરેશ જાદવના પિતા સુરતમાં અવસાન પામ્યા હતા. 13 તારીખે સુરત ગયેલા પરેશભાઇની પરત આવવાની ટિકીટ તા. 10મી મેની છે. નોકરી પરત જોઇન કરવાની હોવાથી પરેશભાઇ પાસે લંડન પરત આવવા સિવાય કોઇ ઉકેલ નથી.  પરંતુ હોટેલ ક્વોરેન્ચટાઇન થવાનો અને હવે રજા બાકી ન હોવાથી તેટલો સમયનો પગાર કપાવાની બીક પરેશભાઇને સતાવી રહી છે. જો પરેશભાઇ વધુ સમય ભારતમાં રહે તો નોકરીમાં વધુ પગાર કપાવાથી લઇને નોકરી જવા સુધીનું જોખમ થઇ શકે છે અને વધુ મોટો આર્થિક બોજો પણ પડી શકે છે.

પરેશભાઇએ ટીનાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ”હું ઘરે ન હોઉ એટલે ઘણી બધી વધારાની જવાબદારી મારી પત્ની કિંજલ પર આવી ગઇ છે. પરંતુ જો વધુ સમય માટે ભારત રહું તો આ જવાબદારી એક નોકરી કરતી પત્ની તરીકે બાળક સાથે નિભાવવાનું કિંજલ માટે અઘરૂ પડે તેમ છે.” પરેશભાઇને પિતા જવાનું દુ:ખ તો છે જ હવે આ સંજોગોમાં આવી પડેલા વધારાના £3,000 ઉપરાંતના ખર્ચાનું નવુ જોખમ પણ તેમના માથે આવી પડ્યું છે.

ટીના હોય કે મનિષ કે પછી પરેશ, સૌ કોઇ  દેશના નાગરીક કે રેસીડેન્ટ છે, તેઓ વર્ષોથી ટેક્સ ભરે છે. એક જવાબદાર નાગરીક તરીકે તેઓ સારી રીતે સમજે છે કે ક્વોરેન્ટાઇનની ગંભીરતા કેટલી છે. શું તેઓ હોમ ક્વેરેન્ટાઇન ન થઇ શકે? શું સરકાર તેમને વણજોઇતા £2,000 ના ખાડામાં ઉતારી રહી છે? આ તો આર્થિક તકલીફોની વાત થઇ પણ મનિષભાઇ જેવા કેટલાય ઉંચો હોદ્દો ધરાવતા લોકો નિયત સમયે તેમની જવાબદારી નહિં સંભાળે તો બિઝનેસીસને કેટલું નુકશાન થશે? લોકોની એક જ માંગ છે કે સરકારે આવા નિર્ણયો લેતા પહેલા મધ્યમ વર્ગના લોકોના બીજા પાસાઓને પણ લક્ષમાં લેવા જોઇએ.