(Photo by KARIM SAHIB/AFP via Getty Images)

વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી રેખા છેલ્લા અનેક વર્ષોથી ફિલ્મોમાં જોવા મળી નથી. રેખા છેલ્લે 2014માં ફિલ્મ ‘સુપર નાની’માં જોવા મળી હતી. જોકે, તે અનેકવાર ટેલિવિઝન રિયાલિટી શો અને અવોર્ડ ફંક્શનમાં જોવા મળે છે પરંતુ ફિલ્મોથી તે દૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રેખા ટૂંક સમયમાં સંજય લીલા ભણશાળીની બહુચર્ચિત વેબસિરિઝ ‘હીરામંડી’માં જોવા મળે તેવી સંભાવના છે.

આ વેબસિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થશે અને તેના માટે રૂ. 200 કરોડના કરાર થયા છે. જેમાં ભણશાળીની જ ફી રૂ. 65 કરોડ હોવાનું કહેવાય છે. રેખાના કરોડો ચાહકો તેને ફરી એકવાર એક્ટિંગ મોડમાં જોવા ઇચ્છે છે અને રીપોર્ટ્સ મુજબ, રેખા તેનું ડીજીટલ પદાર્પણ કરવા તૈયાર છે, પરંતુ હજુ સુધી પ્રોડક્શન હાઉસ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી નથી. રીપોર્ટ્સ મુજબ, પ્રોડક્શન હાઉસ અત્યારે રેખાના સંપર્કમાં છે અને ટૂંક સમયમાં તે અંગેની જાહેરાત કરવામાં આવશે.

રેખા અનેક વર્ષોથી સંજય લીલા ભણશાળી સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે પરંતુ બંને હજુ સુધી કોઈપણ પ્રોજેક્ટમાં સાથે કામ કરી શક્યા નથી. જો ‘હીરામંડી’માં રેખાની એન્ટ્રી થઇ તો તેની વર્ષો જૂની ઇચ્છા પૂર્ણ થશે